રાજકોટ, રાજકોટના ગોંડલમાં પાનની બંધ દુકાનમાં અચાનક આગ લાગી હતી. દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નિકળતા ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયરબ્રિગેડે સતત પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાંખી હતી. આ ભીષણ આગમાં પાન, બીડી, અને સિગારેટનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થવા પામ્યું હોવાનું સામે આવ્યું છે. ગોંડલના કૈલાશ બાગ રોડ પર આવેલ બાલકૃષ્ણ એજન્સી નામની દુકાનમાં આગ લાગી હતી. જેને પગલે સ્થાનિકો દ્વારા ગોંડલ ફાયરબ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ ગોંડલ ફાયર સ્ટેશન બંધ હોવાથી રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આગ ક્યા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેથી દૂર-દૂર સુધી આગના લબકારા દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.આજુ બાજુમાં આવેલી બીજી દુકાનો પણ આગની લપેટમાં આવે તેવી સ્થિતિ સર્જાઇ હતી. પરંતુ ફાયરબ્રિગેડની કામગીરીથી અન્ય દુકાનો આગમાં બચી ગઇ હતી.