અમદાવાદ-

રાજ્યના પોલીસ વડા બન્યા બાદ આશિષ ભાટિયાએ રાજ્યની કાયદો વ્યવસ્થાથી લઈ નશીલા પદાર્થો અને જમીન માફિયા-વ્યાજખોરો સામેની કાર્યવાહી કડક હાથે કરાશે તેમ કહ્યું હતું. ગાંધીનગર સ્થિત તેમની કચેરીમાં તેમણે આપેલી એક વિશેષ મુલાકાતમાં તેમણે આ સ્થિતિ સ્પષ્ટ કર્યા બાદ કહ્યું કે હાલમાં રાજ્યભરના જમીન માફિયાઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

જમીન માફિયા સામે કડક હાથે કામ કરવા માટે જે નવો કાયદો આવી રહ્યો છે તેનમલ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તેમની સાથે થયેલી વાતચિત અહીં પ્રસ્તુત છે.જમીન માફિયા સંદર્ભે વાત કરતા તેમણે કહ્યું કે, જમીન માફિયા (લેન્ડ ગ્રેબર) વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેની સામે પાસાનું શસ્ત્ર પણ ઉગામાશે. આ ઉપરાંત પોલીસ જમીન માફિયા વિરુદ્ધ એક કાયદો લાવી રહી છે. જેમાં સજાની જોગવાઇ વધુ છે. ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ૧૪ વર્ષની સજાની જોગવાઈ છે. આ કાયદા તળે લેન્ડ ગ્રેબરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ રાજ્યભરમાં આવા જે લેન્ડ ગ્રેબરો છે તે તમામની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જમીન માફિયા સામેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.