નવસારી-

નવસારી તાલુકાના ખેરગામમાં રહેતા આદિવાસી યુવાનના પ્રેમલગ્નના ૪ માસ બાદ કોઈ અગમ્ય કારણસર આંબાની વાડીમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે, જેમાં આ યુવકના ફોન પર કેબીસીના નામે રૂ. ૨૫ લાખનું ઇનામ લાગ્યું હોવાનું કહી વિશ્વાસમાં લઈ ટેક્સના નામે નાણાં ભરવાનું જણાવતાં રૂ. ૧.૩૬ લાખથી વધુ રકમ ઓનલાઇન રકમ જમા કરાવવા છતાં પણ નાણાંની વધુ માગ કરાઈ હતી, જેથી દેવું થઈ જતા આ આદિવાસી યુવાને જીવન ટૂંકાવ્યું હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. નવસારી તાલુકાના ખેરગામમાં રહેતા નિરલ નાનુભાઈ હળપતિ (ઉં.વ. ૨૨) માતાપિતા સાથે રહેતો હતો અને નવસારીમાં આવેલા શોપિંગ સેન્ટરમાં કામ કરતો હતો. તેણે ૪ માસ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા.

૧૦મી માર્ચે સવારે ઘરેથી કામ પર જવા નીકળી ગયો હતો. તેની લાશ ખેરગામના સંતોષભાઈની વાડીમાં લટકતી જાેવા મળી હતી. આ બાબતે સ્થાનિકોએ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. આ ઘટનામાં બીજા દિવસે નવો વળાંક આવ્યો હતો, જેમાં નિરલ હળપતિએ દેવું વધી જતાં આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. મળતી માહિતી મુજબ, કેબીસીના નામે ૨૫ લાખ જીત્યા છો એમ અજાણ્યા લોકોએ ફોન પર વાતચીત કરીને ફોટા અને દસ્તાવેજાે મગાવીને વડાપ્રધાન મોદી અને અમિતાભ બચ્ચનના ફોટાવાળું સરકારી પ્રમાણપત્ર બનાવી આપીને ટેક્સના નામે નાણાંની ઉઘરાણી ફોન પર ચાલુ કરી હતી, જેમાં આ યુવાને ટુકડે ટુકડે અને લોકો પાસે ઉધાર માગી રૂ. ૧.૩૯ લાખ જેટલી માતબર રકમ અરુણ ગોબિંદ નામની વ્યક્તિના ખાતામાં ઓનલાઇન ભર્યા હતા.

જેકપોટનાં નાણાં જમા ન થતાં નાણાભીડમાં આવી અંતે ૨૨ વર્ષીય નિરલ હળપતિએ જીવન ટૂંકાવ્યું હોવાનું તેમનાં પરિવારજનોએ જણાવ્યું હતું. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. નિરલ હળપતિને એક ફોન આવ્યો હતો, જેમાં સોશિયલ મીડિયામાં હોઈ કોન બનેગા મહાકરોડપતિ સ્કીમમાં કમ્પ્યુટરમાં તમારા નંબરને રૂ. ૨૫ લાખનું ઇનામ લાગ્યું છે, એમ જણાવી પોતાની ઓળખ અરુણ તરીકે આપી તમે ઇનામ બાબતે કોઈ જાહેરાત કરશો નહીં અને જાણ કરશો તો તમારો નંબર કોઈ બંધ કરી તેમના નામે કરાવી લેશે અને ઇનામની રકમ તેમના ખાતામાં જમા થશે, જેથી આ વાત કોઈને કહેતા નહીં, એમ જણાવી વિશ્વાસમાં લીધો હતો.