વડોદરા : કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં ગુરુવારની રાત્રે નીલ ગાયનો શિકાર કરવા આવેલ ટોળકીએ ખાનગી રિવોલ્વરમાંથી નીલ ગાય પર ફાયરિંગ કર્યું હતું. જાે કે, ફાયરિંગમાં ટોળકી પૈકીના એક સાગરિતને છાતીના ભાગે ગોળી વાગતાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. 

માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લાના હલદરવા અને જંગાર ગામમાં નીલ ગાયનો શિકાર કરતી ટોળકી કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં રાત્રિના સમયે આવી પહોંચી હતી, જ્યાં રાત્રિના સમયે જંગલ અને ઝાડી-ઝાંખરાં વિસ્તારમાં ફરતી નીલ ગાયનો શિકાર કરવા માટે ટોળકી શોધખોળ કરી રહી હતી. જાે કે, એક નીલ ગાય દેખાઈ આવતાં ટોળકી પૈકી એકે નીલ ગાય પર ફાયરિંગ કર્યું હતું જેમાં મીસ ફાયર થયું હતું. જેથી ટોળકી પૈકીના એક સાગરિત આસીફ ઝગારિયાવાલાને ગોળી વાગતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ફાયરિંગમાં ઈજા પામેલ શિકારી ટોળકી આસીફ ઝગારિયાવાલાને લઈને ભરૂચ લઈ ગયા હતા, જ્યાં તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતાં તેનું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં કરજણ પોલીસે ચોરંદા ગામના બનાવના સ્થળે પહોંચી જઈ બનાવ અંગે સ્થાનિક લોકોની પૂછપરછ કરી વિગતો મેળવવાના પ્રયાસ સાથે તપાસનો દોર શરૂ કર્યો હતો. આ સમગ્ર બનાવની જાણ મૃતકના ભાઈને કરવામાં આવતાં તેઓ ભરૂચ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં તેને પોતાના ભાઈને મૃત હાલતમાં જાેતાં મૃતકના પરિવારજનોએ હત્યા કર્યાની આશંકા વ્યક્ત કરી હતી. મૃતદેહને પેનલ અને એક્સપર્ટ ઓપિનિયન માટે હોસ્પિટલ ખાતે ખસેડવાવામાં આવ્યો હતો. મૃતકના ભાઈએ ગુરુવારે સાંજે મિત્રો સાથે જંગલી જાનવરના શિકાર માટે બહાર ગયો હોવાનું જણાવ્યું હતું.