નડિયાદ : રાજ્ય સરકારના પરિપત્ર મુજબ નડિયાદ શહેરની સિવિલ હોસ્પિટલ અને એનડી દેસાઇ હોસ્પિટલમાં તંત્ર દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલ દરમિયાન હોસ્પિટલ સ્ટાફ તેમજ ફાયર સ્ટાફ હાજર રહ્યો હતો અને આગ જેવી કટોકટી સમયે કેવી રીતે બચવું? દર્દીઓને કેવી રીતે સિફ્ટ કરવા? વગેરે બાબતોની જાણકારી મેળવી હતી. 

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં દરેક મહિનાના પહેલાં સપ્તાહ દરમિયાન મોકડ્રિલ કરવાની સૂચના આપવામાં આવી છે. જે સંદર્ભે નડિયાદ શહેરમાં રવિવારના રોજ સિવિલ હોસ્પિટલમાં અને એનડી દેસાઇ હોસ્પિટલમાં એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલ દરમિયાન સિવિલ હોસ્પિટલના સ્ટાફે આગની જાણ થતાં જ સ્વબચાવ ઉપરાંત દર્દીઓને પણ બચાવ્યાં હતાં. આ સમગ્ર કવાયત બાદ બંને હોસ્પિટલના સ્ટાફને બચાવ કામગીરી તથા આગને કાબૂમાં કેવી રીતે લાવવી સહિતની બાબતોની જાણકારી આપવામાં આવી હતી. નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સર્જન આ મોકડ્રિલમાં ખાસ હાજર રહ્યાં હતાં.