નવસારી-

હાલના ટેક્નોલોજી અને મોડર્ન જમાનામાં અનેક રૂઢિઓ નાબૂદ થઈ ગઈ છે, જાેકે હજુ પણ સમાજમાં અનેક રિવાજાે એવા છે કે, જેને તિલાંજલિ આપવાનો સમય પાકી ગયો છે. અમુક વય મર્યાદા વટાવ્યા બાદ જાે કોઈ પરિણીત મહિલા કે પુરુષનું મૃત્યુ થાય તો તેમને આખું જીવન વિધુર કે વિધવા તરીકે ગુજારવું પડે છે. ત્યારે નવસારીમાં અનાવિલ પરિવારે સમાજને નવી રાહ ચીંધતાં ૩ વર્ષ પહેલાં વિધુર બનેલા વિકેનભાઇ અને ગત વર્ષે વિધવા થયેલાં દીપ્તિબેનના મનમેળાપ કરાવી શિવરાત્રિએ લગ્નગ્રંથિ જાેડ્યા હતા, જેમાં સાળાએ બનેવી અને સાસુએ પુત્રવધૂને નવું લગ્નજીવન અપાવ્યું હતું. મૂળ તલિયારાના અને હાલ વલસાડ રહેતા વિકેનભાઇ નાયકનાં પત્નીનું ત્રણ વર્ષ અગાઉ અવસાન થયું હતું અને નવસારીના દીપ્તિબેન દેસાઇના પતિનું કોરોનાના કારણે ગત વર્ષે અવસાન થયું હતું.

બન્નેના પરિવારોની સાથે તેમના શ્વસુરપક્ષને પણ તેમનું આ એકલવાયું જીવન જાેવાતું ન હતું. વિકેનભાઇ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે અને દીપ્તિબેન બ્યૂટીપાર્લરનો વ્યવસાય કરે છે. દીપ્તિબેન વિકેનભાઇના સાળા હિરેનભાઇનાં પત્ની વંદનાબેનને ત્યાં ઘણીવાર બ્યૂટીપાર્લરના કામ માટે જતા હતા. આ દરમિયાન હિરેનભાઇ અને તેમના મામા કિરણભાઇને વિચાર આવ્યો કે વિકેનભાઇ અને દીપ્તિબેનના લગ્ન વિશે આપણે વાત કરવી જાેઈએ. હિરેનભાઇએ દીપ્તિબેનનાં સાસુ, નણંદ અને નણદોઇને આ બાબતે વાત કરી અને તેમને વિચાર સારો લાગ્યો. જાેકે શરૂઆતમાં દીપ્તિબેનને ફરી લગ્નગ્રંથિથી જાેડાવવાની કોઇ ઇચ્છા ન હતી, બાદમાં તેમને સાસુ અને નણંદ હેમાબેને સમજાવીને પ્રેરણા આપી.

ત્યાર બાદ તેઓ માન્યાં હતાં. શિવરાત્રિના પાવન દિને ૪ પરિવારે એકસાથે મળીને વિકેનભાઇ નાયક અને દીપ્તિબેન દેસાઇના પુનઃલગ્ન કરાવી સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા. દીપ્તિબેનનાં સાસુએ તેમને દીકરીની જેમ પરણાવીને ભાવુક થઇ ગયાં હતાં. આ સાથે જ હાજર દરેક સભ્યની આંખ પણ ભીની થી ગઈ હતી. વિકેનભાઇ નાયકનો એક પુત્ર પણ છે, જે ઓસ્ટ્રેલિયા છે અને તેણે પણ અનોખા લગ્ન ઓનલાઇન નિહાળ્યા હતા. વિકેનભાઇ અને દીપ્તિબેનના લગ્નએ અનાવિલ સમાજ અને અન્ય સમાજાેને માટે નવો રાહ ચીંધ્યો છે.