વડોદરા : વાડી સ્થિત મહંમદ તળાવ પાસેની સોસાયટીના મકાનમાં આજે સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ધડાકો થયો હતો. જેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા ઘરમાંથી બે ઈજાગ્રસ્ત યુવકોને બહાર કાઢીને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, જે ઘરમાં આ ધડાકો થયો હતો. ત્યાં ગેસ લાઈન જ ન હતી. તો પછી આ ધડાકો થયો કઈ રીતે? તે અંગે શંકાના વાદળો ઉપજ્યા છે. 

શહેરના વાડી વિસ્તારમાં આવેલ મહાદેવ તળાવ પાસેની મધુકુંજ સોસાયટીમાં આજે સમી સાંજે પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાતા આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો સ્થળ પર પહોંચ્યા હતા અને અંદર ફસાયેલા લોકોની બચાવગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ઘરમાં રમેશ મહેશ્વરી(ઉં.વ.૪૨) અને ભવાની મહેશ્વરી(ઉં.વ.૩૫) ભાડેથી રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓના પરિવાર દ્વારા દિવસમાં બે વખત જમવાનું પણ મોકલવામાં આવતું હતું. જેના કારણે તેઓએ ઘરમાં ગેસ લાઈન પણ રાખી નહોતી. ઘરમાં હાજર બંને પૈકી એક વ્યક્તિ દ્વારા લાઈટ ચાલુ કરવા જતા જ અચાનક ધડાકો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયરબ્રિગેડ દ્વારા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.