વડોદરા,તા.૨૦ 

વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને છાણીના નિવાસી સતીશ પટેલની છાણી ખાતે શહેરનું ભવ્ય કોમર્શિયલ પ્રવેશદ્વાર બનાવવાની જીદને લઈને પાલિકા મુસીબતમાં મુકાઈ ગઈ છે. આ છાણીના પ્રવેશદ્વારને લઈને હાઇકોર્ટમાં કેસ દાખલ થતા પાલિકાના સત્તાવાળાઓને નોટિસ આપવામાં આવી છે. એસબીજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના વિદ્યાર્થીઓના હિતને લઈને લડત આપવાના ભાગરૂપે દાવો હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ શાળાના મુખ્ય ગેટની સામેજ પાલિકાના પ્રવેશ દ્વારનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેની ડિઝાઇન મુજબ શાળાના મુખ્ય ગેટની સામે દુકાનોની જોગવાઈ કરાઈ છે. જે વિદ્યાર્થીઓના હિતમાં નથી. તેમજ અહીં પણ બીડીની દુકાનો આવે અને ત્યાં અસામાજિક તત્વોના અડ્ડા વિદ્યાર્થીઓ માટે જોખમ સર્જી શકે એવો ભય વ્યક્ત કરાયો છે. તેમજ સર્વિસ રોડ હોઈ અકસ્માતની પણ સંભાવના છે. આ કામમાં સરકારી નિયમોનો ભંગ કરાયો છે.જેથી આ પ્રવેશદ્વાર ખુલ્લો કરવાની માગ કરાઈ છે.