વડોદરા, તા.૧૫

અમેરિકન સિટિઝનશિપ ધરાવતી પત્ની રેશ્માએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રિયમંત્રી ભરતસિંહ સોલંકીની નોટિસ સામે ખુલાસો કરતાં મામલો વધુ ઉગ્ર બન્યો છે. છૂટાછેડા માટે ધમકી આપનારા તત્ત્વો સામે જરૂર પડયે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે એમ રેશ્માબેનના વકીલે જણાવ્યું છે. ત્યારે રાજકીય મોરચે આ પતિ-પત્નીના મામલામાં અનેક ભેદભરમ હોવાની ચર્ચા ઊઠી છે.

ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફત પત્ની રેશ્મા પટેલ વિરુદ્ધ આપેલી એક જાહેર નોટિસ પાઠવી હતી. આ નોટિસ મામલે રેશ્મા પટેલે પોતાના વકીલ મારફત પોતાનો જાહેર ખુલાસો કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોના મહામારીથી બીમાર હતા, ત્યારે મેં તેમની ખૂબ સેવા કરી છે અને પુનઃજીવન આપ્યું છે. પરંતુ તેઓ સાજા થયા બાદ છૂટાછેડા આપવા માટે દબાણ કરી રહ્યા છે અને મને ઘરમાંથી કાઢી મૂકી છે. મારા પતિએ મારા ઉપર મૂકેલા આક્ષેપો પાયાવિહોણા છે.

રેશ્મા પટેલે પતિ ભરતસિંહ સોલંકીએ આપેલી નોટિસના અનુસંધાનમાં કરેલા ખુલાસામાં વધુમાં જણાવ્યું છે કે, મારા પતિ ભરતસિંહ સોલંકીએ તા.૧૩-૭-૨૦૨૧ના રોજ જાહેર નોટિસ આપી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મારા પત્ની રેશ્મા પટેલ મારા કહ્યામાં નથી અને અમારી સાથે રહેતા નથી તેવા આરોપો મૂક્યા છે. વાસ્તવમાં પતિ ભરતસિંહ સોલંકી કોરોનાની બીમારીમાંથી બહાર આવ્યા બાદ તેઓનું અમારા પ્રત્યેનું વર્તન બદલાઇ ગયું હતું. મારી સાથે ગાળાગાળી કરતા હતા અને અમને પહેરેલ કપડાએ ઘરમાંથી કાઢી મૂક્યા છે.

રેશ્મા પટેલે કરેલા ખુલાસામાં એમ પણ જણાવ્યું છે કે, પતિ ભરતસિંહ સોલંકી રાજકારણના મોટા હોદ્દાનો દુરુપયોગ કરી છૂટાછેડા લેવા માટે દબાણ કરી રહ્યા છે. અમે અમારા પતિ સાથે કોઇ ગેરવર્તણૂક કરી નથી. અમે તેઓ સાથે પત્ની તરીકે રહેવા તૈયાર છે. અમારો કોઇ વાંક ન હોવા છતાં પતિ અમોને માનસિક ત્રાસ આપી રહ્યા છે. હાલ અમે કોઇના ઘરે આશ્રિત તરીકે રહીએ છે. ત્યાં પણ અમોને શાંતિથી રહેવા દેતા નથી અને અલગ-અલગ વ્યક્તિ પાસે ધમકીઓ આપવામાં આવી રહી છે.

ધમકી આપનારાઓ સામે જરૂર પડયે પોલીસ ફરિયાદ પણ નોંધાવાશે એમ જણાવી રેશ્માબેનના વકીલ નિખિલ જાેશીએ ઉમેર્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસનો આ મામલો છે જેમાં ભરતસિંહે સૌ પ્રથમ અખબારોમાં નોટિસ આપી હોવાથી અમારે એનો ખુલાસો કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરતસિંહે આપેલી જાહેર નોટિસમાં પત્ની ચાર વર્ષથી સાથે રહેતી નથી એવું જણાવે છે ત્યારે પાછલા ચાર વરસોમાં પત્ની રેશ્મા સાથે ભરતસિંહે વિદેશ પ્રવાસે પણ ગયા હતા, એની પાસપોર્ટમાં અને એરપોર્ટ ઉપર એન્ટ્રી હશે એ ઉપરાંત રાજસ્થાનના સી.એમ. અશોક ગેહલોતના સત્તાવાર નિવાસસ્થાનની પણ મુલાકાત લીધી હોવાથી એ સાથે નહીં રહેતી હોવાની વાત પાયાવિહોણી હોવાનું માનવામાં આવે છે.