વડોદરા -

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી કોરોના સંક્રમિત બન્યા બાદ શહેરના વડસર બ્રિજ પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. દરમિયાન પોલીસ કર્મચારીનું મોત નિપજતાં પરિવારજનોએ તબિબની નિષ્કાળજીના આક્ષેપો સાથે ભારે હંગામો મચાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, જીવલેણ કોરોના વડોદરા શહેર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ હાહાકાર મચાવી રહ્યો છે જેમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી કોરોના સંક્રમિત બન્યા હતાં તેમને સ્થાનિક તબિબની સલાહ મુજબ, દર્દીને કોવિડની સારવાર આપતી શહેરના વડસર બ્રિજ પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા હતાં. જ્યા દર્દીના સગાએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. છેલ્લા બે દિવસથી દાખલ થયેલા પોલીસ કર્મચારીની હાલત સ્ટેબલ હતી. દવા અને ઉકાળો પણ પીધો હતો પરંતુ તેમની અચાનક તબિયત લથડતા તેમને મોંઘી કિંમતના ઇન્જેક્શનો પણ આપવામાં આવ્યા હતાં છતા તેમની હાલત સુધારવાને બદલે વધુ ગંભીર બની રહી હતી. વેન્ટીલેટર ઉપર મુકવાની સ્થિતિ આવતા વેન્ટીલેટર ન હોવાથી પોલીસ કર્મીનું મોત નિપજ્યું હતું.

દર્દીના મોતના સમાચાર પરિવારજનોને આપવામાં આવતા તેઓએ તબિબની નિષ્કાળજીના આક્ષેપો સાથે હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો બનાવને પગલે માંજલપુર પોલીસ ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી. આમોદ પોલીસ મથકનો પોલીસ સ્ટાફ તથા ઉચ્ચ પોલીસ અધિકારી પણ બનાવ સ્થળે આવી પહોંચ્યા હતાં.