એમ્સ્ટર્ડમ-

કેન્યાના નૈરોબી એરપોર્ટથી એક પ્લેન પહેલા તૂર્કી અને ત્યારબાદ બ્રિટન થઈને નેધરલેન્ડ પહોંચ્યું હતું એટલે કે, વિમાને આશરે ૮,૦૦૦ કિમીની યાત્રા કરી હતી, અને આ દરમિયાન એક ૧૬ વર્ષીય છોકરો વિમાનના લેન્ડીંગ ગિયરની અંદર છૂપાયેલો રહ્યો હતો. ત્યારબાદ આ છોકરાને તરત જ માસ્ત્રિખ્ત શહેરની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની તંદુરસ્તી ઠીક ગણાવાય છે.

માની ન શકાય એવી આ ઘટનાની વિગત એવી છે કે, બુધવારે રાત્રે કેન્યાના નૈરોબીથી એક કારગો વિમાન એ૩૩૦ ટેક ઓફ કરી ગયું ત્યારે કેન્યાનો એક ૧૬ વર્ષીય છોકરો આ વિમાનના લેન્ડીંગ ગિયરમાં છૂપાઈ ગયો હતો. ત્યારબાદ તૂર્કી અને બ્રિટનમાં તો આ વિમાને તો રોકાણ પણ કર્યું હતું.

છોકરો જિવતો રહ્યો એ અચરજઃ


બ્રિટન પછી આ વિમાન નેધરલેન્ડના માસ્ત્રિખ્ત શહેર પહોંચ્યું હતું. અહીં એન્જીનિયરોએ વિમાન ચેક કર્યું તો તેમાંથી આ છોકરો મળી આવતાં તેને ચેક-અપ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ છોકરો જીવતો કેવી રીતે બચી ગયો એ એક અચરજની વાત છે. મેડિકલ ટીમે કહ્યું હતું કે, આ છોકરાને આટલી લાંબી મુસાફરી આ રીતે કરવા બદલ હાઈપોથર્મિયા થઈ ગયો છે, એટલે કે તેના શરીરનું તાપમાન ખૂબ જ ભયજનક રીતે નીચું ચાલ્યું ગયું છે. તેનાથી નસો જામી જાય છે અને મોત પણ થઈ શકે છે. છતાં ડોક્ટરોના અચરજ વચ્ચે આ છોકરો જીવતો બચી ગયો હતો.

મુકદ્દર કા સિકંદરઃ

એક ડોક્ટરે આ છોકરાને મુકદ્દરનો સિકંદર ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તે છોકરો વિમાનના લેન્ડીંગ ગિયર સુધી પહોંચ્યો કેવી રીતે. તેમજ વિમાન મોટેભાગે ૩૮,૦૦૦ ફીટ ઊંચે ઉડતું હોય ત્યારે હવામાં ઓક્સિજનની માત્રા ખૂબ જ ઓછી હોવાને પગલે વ્યક્તિ મૃત્યુ પામી શકે છે, જ્યારે આ છોકરો તેની સામે જીવિત બચ્યો હતો. ઉપરાંત જ્યારે વિમાન લેન્ડ કરે ત્યારે, તેના વ્હીલ્સ ખૂલી જાય છે અને ત્યારે તે ઊંચાઈએથી પડીને મરી જઈ શકે છે, જ્યારે આ છોકરો બચી ગયો હતો. શુક્રવારે બચી ગયેલા આ છોકરાએ કહ્યું હતું કે તેની તંદુરસ્તી સારી છે અને તે કેન્યામાં રહેતા તેના પરીવાર સાથે વાતચીત કરવા માંગે છે.

અગાઉ બે વખત વ્યક્તિઓનું મોત થયું હતું


આ પહેલા બે વખત આવું જ જાેવા મળ્યું હતું, જેમાં લંડનના હીથરો એરપોર્ટ ખાતે વર્ષ ૨૦૧૯માં એક વ્યક્તિએ ધ્યાન દોર્યું હતું કે, વિમાનના લેન્ડિંગ ગિયરમાં કૈંક ફસાયું છે, અને ધ્યાન દોરતા એ કોઈક વ્યક્તિની લાશ હતી. વર્ષ૧૯૯૭માં પણ નૈરોબીથી આવેલી એક ફ્લાઈટમાં આવી જ રીતે એક કેન્યાઈની લાશ મળી હતી.