જુનાગઢ-

આખા ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે ત્યારે કોરોનાના વધુ ટેસ્ટીગ થતા હોવાનું બતાવવા માટેનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં જે લોકોના ટેસ્ટ નથી થયા તેના નામે મેડિકલ કોલેજમાં ટેસ્ટ કરાવેલા લિસ્ટમાં ઉલ્લેખ કરાયો છે.

કોરોના ગંભીર અને બિહામણી પરિસ્થિતિ હોવા છતાં વહીવટી તંત્ર હજુ પણ આંકડાની માયાજાળમાં જ રચી રહ્યું છે. પણ વાસ્તવિકતા આજે રૌદ્ર સ્વરૃપે પહોંચી ગઈ છે આજ સુધી કોરોના પોઝિટિવ કેસના આંકડા છુપાવાતા હોવાનુ સામે આવ્યું છે પણ હવે કોરોનાને કંટ્રોલ કરવામાં વધુમાં વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે તેવું દર્શાવવા માટે અગાઉ જે લોકોના કોરોના ટેસ્ટ થયા છે તે જ લોકોના ફરિવાર ટેસ્ટ થયા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. જેમાં જૂનાગઢની મેડિકલ કોલેજમાં તા. ૨૩, ૨૭ અને ૨૯ માર્ચના ટેસ્ટ કરવામાં આવેલ લોકોના નામ, નંબર, ગામ સહિતની વિગતો સામે આવી છે તે મુજબ સંદેશ ન્યુઝની ટીમે મોટાભાગના લોકોની સાથે સંપર્ક કરતાં તેમણે દોઢ બે માસ અગાઉ કોરોના અંગેનો ટેસ્ટ કરાવ્યો હોવાનું કહી રહ્યા છે.

આ સમગ્ર મામલે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે જે વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવ્યો છે તેના નંબરમાં પણ તફાવત જાેવા મળી રહ્યો છે. મોટાભાગના નંબર આરોગ્ય વિભાગના કર્મચારીઓના જાેવા મળી રહ્યા છે. આવું સ્કેન્ડલ સમગ્ર જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા મથકો પર ચાલતુ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અને મહત્વની વાત એ છે કે મેડિકલ કોલેજમાંથી મળેલ નામ, નંબર સહિતનું જે લિસ્ટ છે તે તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવેલ છે. આ બાબતે કલેકટરના અધ્યક્ષસ્થાને એક કમિટીની રચના કરી સમગ્ર કૌભાંડની તાત્કાલિક તપાસ કરવાની માંગ ઊઠી રહી છે.

આ સમગ્ર મામલે જૂનાગઢ જિલ્લા કલેકટર જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકોના ટેસ્ટ થાય તે માટેની તજવીજ ચાલું છે કોઈપણ કારણોસર શું ક્ષતી રહી છે તે અંગેની પણ તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી પાસે પણ તમામ આક્ષેપો અંગે હકીકત મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું કલેક્ટરે જણાવ્યું હતું.