02, ઓગ્સ્ટ 2020
વડોદરા,તા.૨
કોવિડ ની સારવારમાં ગંભીર અસર ધરાવતા દર્દીઓની જીવન રક્ષા માટે ઓક્ષિજન પુરવઠા ની ખૂબ અગત્યતા છે.જો કે તબીબી સારવારમાં,ગાયનેક હોય,બાળરોગ વિભાગ હોય કે અન્ય કોઈ વિભાગ,બધે જ ઓક્ષિજન પુરવઠો નિર્ણાયક અગત્યનો ગણાય છે પરંતુ કોવિડ પછી ઓક્ષિજન ની ચર્ચા વધુ થઈ રહી છે.
રાજ્ય સરકારની મંજૂરીના પગલે મધ્ય ગુજરાતની સહુ થી મોટી સયાજી હોસ્પિટલમાં પ્રવાહી ઓક્ષિજન પુરવઠો પૂરો પાડતી બીજી લિકવીડ ઓક્ષિજન ટેન્ક લગાવવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે.૨૦ કિલો લિટર એટલે કે ૨૦૦૦ લિટર પ્રવાહી ઓક્ષિજન ની સંગ્રહ ક્ષમતા ધરાવતી આ ટાંકીની સ્થાપના માટે કેટલાંક અવરોધો હતાં.જો કે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શનને અનુસરીને વહીવટદાર અશોક પટેલ અને સલાહકાર ડો. મીનુ પટેલે આ બાબત હાથ ધરી હતી.તેમને આ ટાંકી જ્યાં લગાવવાની છે એ સ્થળની મુલાકાત લીધી હતી. ટાંકીની સ્થાપના માટેનું પ્લેટફોર્મ બની ગયું હતું. પાઇપ લાઇન દ્વારા ગેસ જોડાણ આડેના જે અવરોધો હતાં એનું નિરાકરણ કર્યું,એજન્સી ને જરૂરી ઓર્ડર અપાવ્યા અને આ બીજી ટાંકીની સ્થાપના ની પ્રક્રિયા ગતિશીલ બનાવી હતી.