વોશિંગ્ટન-
અમેરિકામાં ફાઈઝર અને મોડર્ના વેક્સિનના કારણે હૃદયની દુર્લભ સમસ્યાઓના આશરે ૮૦૦ કેસ સામે આવ્યા છે. જેની સીડીસી દ્વારા તપાસ ચાલી રહી છે. આ આંકડા વેક્સિન સુરક્ષાને લઈ યોજાયેલી એક બેઠકમાં સામે આવ્યા છે. કેટલાક સંશોધકોએ વેક્સિનના કારણે સર્જાયેલી આ સમસ્યાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.
જાણવા મળ્યા મુજબ તેમાં અડધાથી વધારે સમસ્યા ૧૨થી ૨૪ વર્ષની ઉંમરના લોકોને થઈ છે જ્યારે દેશમાં કરોડો વેક્સિનમાંથી માત્ર ૯ ટકા જ આ ઉંમરના લોકોને અપાઈ છે.આ જાણકારી સામે આવ્યા બાદ હવે સીડીસીના સલાહકાર વેક્સિનથી સર્જાયેલી જટિલતાઓ, માયોકાર્ડાઈટિસ અને પૈરિકાર્ડાઈટિસના કારણો જાણવા ૧૮ જૂનના રોજ બેઠક યોજશે. માયોકાર્ડાઈટિસમાં હૃદયની માંસપેશીઓમાં તો પૈરિકાર્ડાઈટિસમાં હૃદયની આજુબાજુ આવેલા પટલોમાં સોજા આવવા લાગે છે. ૩૧ મે સુધીમાં ૨૧૬ લોકોને પહેલા ડોઝ બાદ અને ૫૭૩ લોકોને બીજા ડોઝ બાદ માયોકાર્ડાઈટિસ કે પૈરિકાર્ડાઈટિસનો સામનો કરવો પડ્યો હતો. ૧૬-૧૭ વર્ષની ઉંમરના ૭૯ અને ૧૮-૨૪ વર્ષની ઉંમરના ૧૯૬ યુવાનોમાં આ પ્રકારના કેસ સામે આવ્યા હતા.