પાણી પ્રશ્ને કારેલીબાગ અક્ષતા સોસાયટીની મહિલાઓ રસ્તા પર ઉતરી
18, જુલાઈ 2025 વડોદરા   |   3168   |  

પાલિકા તંત્રની સામે સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડી દેખાવો

વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં શુદ્ધ અને પુરતા પ્રેસર થી પિવાનું પાણી આપવામાં પાલિકા તંત્ર નષ્ફળ રહ્યું છે. ત્યારે કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી પાણીની સમસ્યા છે. પરંતુ છેલ્લા 15 દિવસથી પાણી બિલકૂલ નહી મળતાં અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહી આવતાં રોષે ભરાયેલી મહિલાઓ રસ્તા પર ઉતરી હતી અને પાલિકા તંત્રની સામે સૂત્રોચ્ચાર કરીને માટલા ફોડી વિરોધ કર્યો હતો.

શહેરના અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા છે. પાલિકા તંત્ર આ સમસ્યાનુ નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. પૂરતુ પાણી હોવા છતાં વિતરણ વ્યવસ્થામાં ખામીના કારણે અવાર નવાર વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે. અને મોરચા પાલિકાની મુખ્ય કચેરી તેમજ વિવિધ વોર્ડ કચેરીઓમાં આવતા હોય છે. ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં બે વર્ષથી પાણીની સમસ્યા છે.તેમાય છેલ્લા 15 દિવસ થી બિલકૂલ પાણી નહી મળતાં આક્રોશીત થયેલી મહિલાઓ આજે રસ્તા ઉપર ઉતરી હતી. અને પાલિકા તંત્રની સામે સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડીને વિરોધ કર્યો હતો.

વિરોધ પ્રદર્શનમાં વૃદ્ધ મહિલાઓ પણ જોડાઈ હતી. પાલિકા તંત્રની સામે વિરોધ કરી રહેલી મહિલાઓએ કહ્યું હતુ કે, પાણીની સમસ્યાના નિરાકરણ માટે અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ખાનગી ટેન્કરો મંગાવીને પાણીની જરૃરીયાત પૂર્ણ કરવી પડે છે. ત્યારે સમસ્યાનું નિરાકરણ આવે તેવી માગ કરી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution