18, જુલાઈ 2025
ભિલાઈ |
2178 |
પૂર્વ સીએમએ કહ્યું, 'સાહેબે ઇડી મોકલી દીધી...
છત્તીસગઢના બહુચર્ચિત લીકર કૌભાંડમાં હવે ભૂપેશ બઘેલ પણ ફસાયા છે. આજે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની ટીમે ભિલાઈમાં ભૂપેશ બઘેલના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ભૂપેશ બઘેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી શેર કરી છે.
ઉલ્લેખનિય છે કે, છત્તીસગઢમાં એક્સાઇઝ કૌભાંડ હવે 2100 કરોડ રૂપિયાથી વધીને 3200 કરોડ રૂપિયા થઈ ગયું છે. એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. મંગળવારે EDની ટીમે હોટેલ માલિક વિજય અગ્રવાલના ભિલાઈ નિવાસસ્થાન તેમજ હોટેલ અને અન્ય અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ટીમે વિજય અગ્રવાલના ગોવા અને દિલ્હીના સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. જેમાં EDએ 70 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. હોટેલ માલિક વિજય અગ્રવાલને પૂર્વ મુખ્યમંત્રીના નજીકના માનવામાં આવે છે. હવે આજે સવારે EDએ ભૂપેશ બઘેલના ઘરે પણ દરોડા પાડ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી બઘેલે આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા કહ્યું કે, 'ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે. 'સાહેબે' ભિલાઈના નિવાસસ્થાને ED મોકલી દીધો છે.
ઉલ્લેખનિય છે કે, આજે છત્તીસગઢ વિધાનસભાના ચોમાસુ સત્રનો પાંચમો અને છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં ભૂપેશ બઘેલે સરકાર પર આરોપ લગાવ્યો છે કે તમનારમાં કાપવામાં આવતા વૃક્ષોનો મુદ્દો ગૃહમાં ઉઠાવવાનો હતો, પરંતુ આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે, આ મુદ્દો ગૃહમાં ચર્ચાય નહી.