18, જુલાઈ 2025
પટણાં |
1980 |
કોંગ્રેસના ફાળે 58 થી 60 બેઠકો પર સંમતિ બને તેવી શક્યતાં
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને મહાગઠબંધનમાં સામેલ મુખ્ય પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ વચ્ચે બેઠક વહેંચણી પર વાતચીત લગભગ છેલ્લાં તબક્કામાં પહોંચી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કોંગ્રેસ જ્યાં 2020ની જેમ 70 બેઠકો માંગી રહી છે, ત્યાં આરજેડી તેને 50-55થી વધુ બેઠક આપવા ઈચ્છતી નથી. જોકે, 58-60 બેઠકો પર સંમતિ બની શકે તેવી સંભાવના છે.
ઉલ્લેખનિય છે કે, બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે. વર્ષ 2020ની ચૂંટણીમાં મહાગઠબંધનમાં આરજેડીને 144, કોંગ્રેસ 70 અને ડાબેરી પાર્ટી સીપીઆઈ (એમએલ), સીપીઆઈ અને સીપીએમને આશરે 19, 6 અને 4 બેઠકો પર ચૂંટણી લડી. આરજેડી 144 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી ઉભરી હતી. કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ ખૂબ ખરાબ હતો. સીપીઆઈ (એમએલ)એ 19માંથી 12 બેઠકો જીતીને સૌથી સારો સ્ટ્રાઇક રેટ નોંધાવ્યો હતો.
આરજેડીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાર્ટી આ વખતે 135-140 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીમાં છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, 'અમે કોંગ્રેસને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, આ વખતે વધુ સહયોગીને સાથે લેવાના છે. તેથી થોડો ત્યાગ કરવો પડશે.'
મહાગઠબંધનમાં આ વખતે મુકેશ સહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી અને પશુપતિ કુમાર પારસની એલજીપીને પણ જોડ્યું હતું. સહની 60 બેઠકોની માંગ કરે છે, પરંતુ તેને વધુમાં વધુ 12 મળી શકે છે. જ્યારે પારસને પણ 2-3 બેઠક મળી શકે છે.
સીપીઆઈ (એમએલ) અને અન્ય ડાબેરીઓ પણ પોતાની ભાગીદારી વધારવાની માંગ કરી રહ્યા છે. સરહદી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારોમાં તેમની ભૂમિકા મહત્ત્વની માનવામાં આવે છે. જણાવી દઈએ કે, ડાબેરી પાર્ટીઓએ 2020માં ખૂબ સારો દેખાવ કરીને 2024 લોકસભામાં બે બેઠક હાંસલ કરી હતી.