રાજકોટ-

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવને તરુણાવસ્થાનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કર્યો છે. જેમાં, અનેક પરિણામો સામે આવ્યા છે કે, આપણે એક જટિલ અને ઝડપી ગતિવાળી દુનિયામાં જીવીએ છીએ. જેમાં ઘણા કારણસર મોટા વ્યક્તિઓને પણ ક્યારેક જીવન જીવવું મુશ્કેલ લાગે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં તરુણોને પણ જીવન જીવવું એટલું જ મુશ્કેલ લાગવા લાગ્યું છે. આથી તે આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે. અત્યારની પેઢીને ઘણીવાર એવું લાગે છે કે દુનિયા આપણા માટે ખૂબ જ ક્રૂર છે. આમ, શારીરિક કરતા માનસિક સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. હાલમાં આ સમસ્યાઓ તરુણાવસ્થામાં વધુ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને તરુણાવસ્થાનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કર્યો છે. જેમાં 360 તરુણો અને 540 વડીલો પાસે પ્રત્યુત્તરો મેળવવામાં આવ્યા હતા. આ બાદ સર્વેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. 93 ટકા લોકોએ સ્વીકાર્યું કે, સાંપ્રત સમયમાં અમારી નજરે આવેલા તરુણો માનસિક અને સામાજિક સમસ્યાઓ અનુભવતા હોય એવું લાગે છે. 81.30 ટકા લોકોએ સ્વીકાર્યું કે, આધુનિક સંસ્કૃતિ અને પરિસ્થિતિની તરુણોના જીવન પર નિષેધક અસર થઈ રહી છે. શું આજનો તરુણ પોતાના પરનો સંયમ ગુમાવી બેઠો હોય એવું લાગે છે? આ પ્રશ્નના જવાબમાં ૮૪.૪૦ ટકા લોકોએ જણાવ્યું કે, હા આજનો તરૂણ પોતાના પરનો સંયમ ગુમાવી બેઠો છે.

36% તરુણોએ સ્વીકાર્યું કે ઘરેથી ભાગી જવાનું મન થાય છે. 18% તરુણોએ કહ્યું કે ઘણીવાર ઘરે કહ્યા વગર આખો દિવસ દોસ્તો સાથે રખડવા જતા રહીએ છીએ. 54% તરુણોએ કહ્યું કે ઘર પરિવારના લોકો અમારો અનાદર કરતા હોય, અમે બુદ્ધિ વગરના અને રખડું છીએ એવું માને છે. 27% તરુણોએ કહ્યું કે નાના ભાઈ બેન પર સરખું ધ્યાન આપે જયારે અમે મોટા છીએ એ ગુનો હોય એવું લાગે છે.