વડોદરા, તા. ૨૩

નવાયાર્ડ વિસ્તારમાં આવેલી ચિકન શોપના દુકાનના ઓથા હેઠળ પ્રતિબંધિત ગૈામાંસનું વેચાણ થતું હોવાની વિગતોના પગલે ફતેગંજ પોલીસે ચિકન શોપમાં પશુ ચિકિત્સક સહિતની ટુકડી સાથે દરોડો પાડ્યો પાડી સાત કિલો જેટલા ગૈામાંસના જથ્થા સાથે વૃધ્ધ દુકાનદારની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં ગૈામાંસનો જથ્થો આણંદના ખાટકીએ આપ્યો હોવાની વિગતો મળતા પોલીસે ખાટકીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.

શહેરના નવાયાર્ડ વિસ્તારમાં થોડાક સમય અગાઉ જીવદયા કાર્યકરોએ પોલીસ સાથે દરોડો પાડી પ્રતિબંધિત ગૈામાંસનો જંગી જથ્થો ઝડપી પાડયો હતો. આ દરોડાના પગલે ભારે હોબાળો મચતા આ વિસ્તારમાં ગૈામાંસનું વેચાણ કરનારા ભુર્ગભમાં ઉતરી ગયા હતા અને ગૈામાંસનું વેચાણ બંધ થયું હતું. જાેકે થોડાક સમય બાદ ફરીથી નવાયાર્ડ વિસ્તારમાં ચિકન શોપના ઓથા હેઠળ પ્રતિબંધિત પશુધન ગૈામાંસનું વેચાણ શરુ થયું હોવાની ફતેગંજ પોલીસને જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આજે તપાસ દરમિયાન પોલીસે નવાયાર્ડમાં લોકોશેડની સામે ખાટકીવાડમાં રહેતા અને ઘર આગળ કેજીએન ચિકન શોપ ચલાવતા ૬૨ વર્ષીય પ્યારુભાઈ કાસમભાઈ કુરેશીની દુકાનમાં દરોડો પાડ્યો હતો અને પ્લાસ્ટીકના મીણીયાદોરાવાળા કોથળામાં માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસે દુકાનદાર પ્યારુભાઈની પુછપરછ કરતા તેણે થેલામાં પ્રતિબંધિત ગૈામાંસ હોવાની કબૂલાત કરતા પોલીસે પશુચિકિત્સકો પાસે માંસના નમુના લેવડાવી તે પરીક્ષણ અર્થે સુરત એફએસએલ ખાતે મોકલ્યા હતા. પોલીસે થેલામાં મુકેલું આશરે સાત કિલો જેટલું ગૈામાંસ કબજે કરી વૃધ્ધ દુકાનદારની ધરપકડ કરી હતી. દુકાનદારની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે ગત રાત્રે તેની પ્લેટીના મોપેડ પર આણંદ ગયો હતો જયાં તેણે હસન ઉર્ફ ડેગડી (મટનમાર્કેટ, પોલસન ડેરી રોડ, આણંદ) પાસેથી આ ગૈામાંસ ખરીદયુ હતું અને જે મોપેડ પર ગૈામાંસ લાવ્યો તે દુકાનની બહાર પાર્ક કરી છે. આ વિગતોના પગલે પોલીસે ગુનામાં વપરાયેલું મોપેડ તેમજ મટન કાપવાના લાકડા, અને વજનિયા સહિતનો મુદ્દામાલ કબજે કરી અમદાવાદના ખાટકી હસન ઉર્ફ ડેગડીને વોન્ટેડ જાહેર કર્યો છે.