આણંદ : લગભગ પાંચ વર્ષ પહેલાં આણંદ પાલિકાના ગત ટર્મ અને તે પૂર્વની ટર્મના કાઉન્સિલરો વિરુદ્ધ એક જાગૃત નાગરિક દ્વારા નવાં બસસ્ટેન્ડ નજીકની વધારાંની જગ્યાની બારોબાર લહાણીના મામલે મામલે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. હવે એક મહિનામાં પાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પાંચ વર્ષ બાદ એસીબી દ્વારા ચાર્જશીટ રજૂ કરવા માગ કરવામાં આવી છે. આમ તો પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ૯૦ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવતી હોય છે, તો કાઉન્સિલરો વિરુદ્ધ એસીબી ફરિયાદમાં પાંચ વર્ષ પછી ચાર્જશીટ દાખલ કરવા પાછળ શું ગણતરીઓ છે? એવી ચર્ચા દૂધનગરીમાં ચોરેને ચોકે થઈ રહી છે!
સૂત્રોના જણાવ્યાં અનુસાર, વર્ષ ૨૦૧૫ના જાન્યુઆરી માસમાં શહેરના જાગૃત નાગરિક દ્વારા પાલિકા હસ્તેના નવાં બસસ્ટેન્ડ નજીકના કમર્શિયલ સંકુલની વધારાની જગ્યાની જે-તે સમયના કાઉન્સિલરો દ્વારા મિલીભગતથી બારોબાર નજીવી કિંમતથી લહાણી કરવામાં આવી હતી, જેનાં કારણે પાલિકાને મોટું આર્થિક નુકસાન તથા હયગય કરવામાં આવી હતી. આ મામલે જાગ્રૃતજન દ્વારા એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે એસીબી દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો હતો. જાેકે, એવું કહેવાય છે કે, પાલિકાના સંડોવાયેલા કાઉન્સિલરો શાસક પક્ષના હોવાથી શક્ય છે કે એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસ પર રાજકીય દબાણ ઊભું કરવામાં આવ્યું હશે, જેના કારણે એસીબી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં અખાડા કરવામાં આવ્યાં હશે.
એક ચર્ચા મુજબ, હવે આગામી માસમાં પાલિકાની ચૂંટણી છે એ પૂર્વ એસીબી દ્વારા પાંચ વર્ષ બાદ સંડોવાયેલાં કાઉન્સિલરો વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવાની ઉચ્ચસ્તરે કરાયેલી માગના પગલે અંદરખાને અનેક તર્ક-વિતર્ક શરૂ થયાં છે!
એવી ચર્ચા છે કે, એસીબીની ચાર્જશીટ આણંદના એવાં નેતાઓનું નાક દબાવવાનો પ્રયાસ છે જેઓ એવું કહેતાં સાંભળવા મળ્યાં હતાં કે, આણંદ પાલિકમાં અમારાં... દિવા બળે છે! જે ઘટનાઓ આકાર લઈ રહી છે એ સૂચવે છે કે, આણંદમાં બધું આનંદમાં નથી! કારણ કે, આ નેતાઓએ ફરી ટિકિટની માગણી કરી છે. એક ગ્રૂપ દ્વારા આ નેતાઓને કદ પ્રમાણે વેતરીને જમીન પર લાવવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી હોવાનું પણ કહેવાય છે.
વોર્ડ નં.૮ના નેતાના રાજકારણનો ધી એન્ડ કરવા ખેલ રચાયો?
એક ચર્ચા મુજબ, આગામી ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપમાં પાલિકાના તેર વોર્ડની બાવન બેઠક માટે આશરે ૧૮૧ જેટલાં મુરતીયાઓએ દાવેદારી કરી છે ત્યારે પાલિકાના વોર્ડ નં.૮માં ૧૪ ઉમેદવારોની દાવેદારી પૈકી ભાજપના કદાવર નેતાની દાવેદારી પૂર્ણ કરવાના ખેલ રચાયાં હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે, અગાઉના ઘર્ષણને રાજકીય રંગ આપી જિલ્લાના ભાજપ નેતાના વેવાઈએ પુત્રની દાવેદારી રજૂ કરી એક કાંકરે બે નિશાન તાક્યાં છે! નવાઈની વાત તો એ છે કે, પરિવારવાદનો વિરોધ કરતા પક્ષમાં જ પરિવારવાદ ઊભો થતાં પક્ષના બે મુખારવિંદની ચર્ચાએ દૂધનગરમાં જાેર પકડ્યું છે.