17, ઓક્ટોબર 2020
આણંદ : રાજ્ય અને જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધું જ બજાર પૂરું પાડી તેમની આજીવિકામાં વધારો કરવાના આશયથી આણંદના વિદ્યાનગર રોડ પર આવેલાં દ્વારકેશ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી હસ્તકલા પ્રદર્શન-સહવેચાણ પ્રદર્શનને જિલ્લા કલેક્ટર આર. જી. ગોહિલે ખુલ્લું મૂક્યું હતું. આ સાથે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલાં શપથ અભિયાનને ધ્યાનમાં રાખીને અહીંના તમામ કારીગરો અને ઉપસ્થિત લોકોને કોવિડ-૧૯ અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યાં હતાં.
કોવિડ મહામારી અને તેનાં કારણે લાગું કરવામાં આવેલાં લોકડાઉનમાં રાજ્યના આ ક્ષેત્રના કારીગરોના ધંધા-રોજગાર મંદ પડી ગયાં છે. ત્યારે આવા કારીગરો રોજગારી મેળવી આત્મર્રનિભર થઇ શકે તે માટે આણંદની હસ્તકલા પ્રેમી જનતાને હસ્તકલાના કારીગરોને પ્રોત્સાાહિત કરવા પ્રદર્શન-સહ વેચાણની મુલાકાત લેવાં જિલ્લા કલેક્ટરે આ પ્રસંગે જણાવ્યું હતું.
આ ક્ષેત્રના કારીગરોને આર્ત્મનિભરતા તરફ લઇ જવાના ભાગરૂપે તેઓ રોજગારી મેળવી આર્ત્મનિભર થઇ રાબેતા મુજબના જીવનપંથે આગળ વધી શકે તેવા આશયથી અનલોક-પ(પાંચ)ના તમામ નિયમોના પાલન સાથે આ નવરાત્રી હસ્તકલા પ્રદર્શનનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ મેળામાં રાજ્યના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના ૬૦થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-સહ વેચાણ કરવામાં આવશે. આણંદની હસ્તળકલા પ્રેમી જનતા આ મેળાની મુલાકાત તા.૨૧ ઓક્ટોબર સુધી બપોરે ૧થી રાત્રીનાં ૯ કલાક સુધી લઈ શકશે. આ મેળા દ્વારા વ્યક્તિગત કારીગરો, હસ્તકલા-હાથશાળ મંડળીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વસહાય જૂથો, સખી મંડળો અને કલાસ્ટોર્સના કારીગરોને સીધું બજાર પૂરું પાડવા આયોજન કરવામાં આવે છે. આ મેળામાં કારીગરો દ્વારા ભાતીગળ હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજવસ્તુ્ઓ, ભરતકામ, વાંસના રમકડાં, પેચવર્ક, ઇમિટેશન જ્વેલરી, લેધર વર્ક, અકીકની આઇટમો, વુડન વોલપીસ, ગૃહઉદ્યોગ, માટીની ચીજવસ્તુઓ, ફલાવર પોટ, માટીના ઘરેણાં વગેરે સાથે બીજી ઘણી બધી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી શકાશે.