વડોદરા : આજે વહેલી સવારે નમાજ અદા કરી મોર્નિંગ વોક પર નીકળેલા ઓટોરિક્ષાચાલકને અજાણી વ્યક્તિ દ્વારા તરછોડાયેલી નવજાત બાળકી કીડી ફરી વળેલ જીવિત હાલતમાં મળી આવી હતી. આ વ્યક્તિએ બનાવની જાણ પોલીસ કંટ્રોલને કરી હતી. પોલીસ કંટ્રોલે મકરપુરા પોલીસને મેસેજ મોકલી આપતાં મકરપુરા પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી અને નવજાત બાળકીનો કબજાે મેળવી તેણીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. 

કોઈપણ પરિવાર પોતાના ઘરમાં પારણું બંધાય તેવી દરેક માતા-પિતાને ઈચ્છા હોય છે પરંતુ કેટલાક લોકો એવા છે કે તેની કદર નથી હોતી. કેટલીક વખત એવા સંજાેગો અને પરિસ્થિતિ ઊભી થાય છે કે આડાસંબંધોના પાપે જન્મતા નવજાત શિશુને બિનવારસી હાલતમાં તરછોડી દેવામાં આવે છે. શહેરના છેવાડે આવેલા જાંબુઆ વિસ્તારના હાઉસિંગના મકાનો આવેલા છે, જ્યાં અજાણી વ્યક્તિએ મોકો જાેઈને અનિચ્છાએ જન્મેલા નવજાત બાળકીને શાલમાં લપેટીને બિનવારસી હાલતમાં તરછોડી ફરાર થઈ ગઈ હતી.

જાંબુઆ વુડાના મકાનમાં રહેતા મહંમદમિયાં યુસુફમિયાં શેખ (ઉં.વ.૪પ) ઓટોરિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે વહેલી સવારે ઊઠીને છ વાગ્યાની ઈબાદત ખાનામાં સવારની નમાજ અદા કરવા ગયા હતા, જ્યાં તેને નમાજ કરી હાઈવે તરફ જવાના રોડ પર મોર્ન્િંાગ વોક માટે નીકળ્યા હતા. તેઓ ચાલતા ચાલતા મકાનો તરફથી બહાર આવી રહ્યા હતા તે વખતે રોડની બાજુએ નાની બાળકી રડતી હોય તેવો અવાજ સંભળાયો હતો જેથી તેમને એ દિશા તરફ નજર કરી તપાસ કરી હતી, જ્યાં ઝાડ નીચે શાલ જેવા કપડાંમાં લપેટીને તરછોડી ગયેલ બાળકી હાથ-પગ હલન ચલન કરતી નજરે પડી હતી. મહંમદમિયાં યુસુફમિયાં શેખે આસપાસ નજર કરી નવજાત બાળકીના વાલીવારસોની તપાસ કરી હતી. પરંતુ આસપાસ કોઈ મળ્યું નહીં હોવાથી કીડીઓથી ઘેરાયેલી નવજાત બિનવારસીને પોતાના હાથમાં ઊંચકી લીધી હતી. એ દરમિયાન આ રસ્તેથી પસાર થતા નીલેશભાઈ સંતોષભાઈ દેવરે અને તેમની બહેન સાથે બહારગામ જતાં હતાં, તેમને રોકયા હતા અને બિનવારસી હાલતમાં અને કીડીઓથી ઘેરાયેલી નવજાત જીવિત બાળકી મળી આવી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ નીલેશભાઈના મોબાઈલ ફોન પરથી પોલીસ કંટ્રોલમાં આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ કંટ્રોલે મકરપુરા પોલીસ મથકને આ સંદેશો મોકલી આપ્યો હતો. મકરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી નવજાત બાળકીનો કબજાે મેળવી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં બાળકીની સારવાર શરૂ કરવામાં આવી હતી. પોલીસે બાળકીના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે.

મળી આવેલ નવજાત બાળકીને સારસંભાળ રાખવાની મહંમદ યુસુફમિયાં શેખે તૈયારી દર્શાવી

આજે સવારે બિનવારસી હાલતમાં મળી આવેલ બાળકીના શરીર પર સયાજી હોસ્પિટલના કપડાં, ડાયપર અને હાથે-પગે મોજાં પહેરલા હોવાનું જાણવા મળ્યું હતું. ઓટોરિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા મહંમદમિયાં યુસુફમિયાં શેખે બાળકીની દેખરેખ રાખવા માટેની તૈયારી બતાવી છે અને ઉમેર્યું હતું કે બાળકીને તરછોડી દેનાર વ્યક્તિ પકડાય તેને સખ્ત સજા કરવા માટે કોર્ટમાં જુબાની આપવાની તૈયારી દર્શાવી હતી.