04, જાન્યુઆરી 2021
અમદાવાદ-
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ આમ આદમી પાર્ટીએ કહ્યું, ભાજપ અને કોંગ્રેસ પાસે ચૂંટણી જીતવાના અનેક નુસખા છે પણ અમે જે દિલ્હીમાં કર્યું તે જ અહીં કરવા માગીએ છીએ. એટલે ભાજપ કોંગ્રેસની રણનીતિ કરતા અમારી કામની વાત અને અમારા કામનો મુદ્દો જ આગળ રહેશે. આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા આ તમામ જગ્યા પર ચૂંટણી લડવા માટે તૈયાર છે અને તેના માટે ઉમેદવારને શોધવાની પ્રક્રિયા અને પાર્ટીનો પ્રચાર પણ ચાલી રહ્યો છે.

ખેડૂત આંદોલન બાબતે આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને 100 ટકા અન્યાય થવાનો છે અને આ કારણે જ દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સરકાર ખેડૂતોની મૂળ વાતનું નિરાકરણ લાવવાના બદલે અને ખેડૂતોની સમસ્યાનો નિકાલ લાવવાના બદલે ખેડૂતોને દેશ વિરોધી ચીતરવાનું કામ કરે છે તે બિલકુલ અયોગ્ય છે.

વધુમાં જણાવ્યું હતું કે આ કાયદા ખેડૂત વિરોધી જ નહીં પણ જનતા વિરોધી પણ છે. કારણ કે, કંપનીઓના આવવાથી ખેડૂતોને પકવેલા અનાજના ભાવ નહીં પણ ગ્રાહકને મોંઘી વસ્તુ મળશે. જનતાને પણ આ કાળો કાયદો અસર કરે છે. આ કાયદો આવવાથી કંપનીઓ ખેડૂતોને લલચાવી અને ફોસલાવીને તેમની પ્રોડક્ટ લઈ લેશે, પરંતુ પાછળથી કંપનીઓની મોનોપોલી ઊભી થશે અને તેના કારણે ખેડૂતોને પૂરતા ભાવ મળશે નહીં. એટલે કંપનીઓની કિંમતે ખેડૂતોને માલ વેચવો પડશે. ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. ભાજપ અને કોંગ્રેસ આ ચૂંટણીની તૈયારી જ કરતું રહી ગયું ને આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. આ અગાઉ પણ આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. આખરે આ યાદી જાહેર કરી તે વાત પર મહોર લાગી ગઈ છે.