અબડાસા, સાતેક માસ પૂર્વે અબડાસા તાલુકાના જુદા જુદા ગામડાઓના પશુધનમાં કાઉપોક્સ નામનો રોગ ફેલાયો હતો જે રોગ હવે ધીમે ધીમે લખપત તાલુકાના અમુક છેવાડાના ગામડાઓમાં પ્રસર્યો છે. પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અમુક ગામડાઓમાં જઇને રસીકરણ શરૂ કરી દેવાયું છે. છેલ્લા બે દિવસથી કૈયારી, કપુરાશી સહિતના ગામડાઓમાં રસીકરણ શરૂ કરાયું છે. લખપતમાં ૮૫ હજાર પશુધન છે ત્યારે ૫૦ ટકા પશુઓમાં કાઉપોક્સ નામનો રોગ દેખાયો હોવાનું જાણવા મળ્યું હતું. લખપત તાલુકાના કાઉપોક્સ નામનો રોગ પ્રસર્યો છે જેના લીધે ઢોરનુ મોઢુ ઝકડાઇ જાય છે તો શરીરના અમુક ભાગ ઉપસી આવે છે, તો અમુક ભાગમાં ચીરા પડી જાય છે અને પગમાં કીડા પડી જાય છે. બિમારીને કારણે ઢોર કાંઇ પણ આરોગી શકતા નથી જેના કારણે પશુઓ મૃત્યુના મુખમાં ધકેલાઇ રહ્યા છે. લાખપત તાલુકામાં માનવ વસતી કરતા પશુધનની સંખ્યા વધારે છે, ઘાસ અને પાણીની તીવ્ર અછતના કારણે માલધારીઓ ભુખમરો વેઠી રહ્યા છે તેવામાં દાઝયા પર દામ સમાન આ રોગ પ્રસરતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. એક-બે પશુઓ હોય એ માલધારી રોજગારી વગરના થઇ ગયા છે. સરકારી ડોકટર માત્ર દેખાવ ખાતર આંટાફેરા કરી એકાદ પશુની ચકાસણી રવાના થઇ જતા હોવાનો સુર પણ માલધારીઓમાં ફેલાયો હતો. આ રોગની ખાનગી દવાખાનામાંથી ઇલાજ કરાવવું એ આ વિસ્તારના માલધારીઓને પોશાય તેમ નથી તેમજ દવા ઘણી મોંઘી છે. બીજી તરફ સ્થાનિક વિસ્તારમાં આ દવા કયાંય પણ ઉપલબધ નથી. પશુઓમાં તાત્કાલીક ધોરણે રસીકરણ કરાવવું જાેઇએ તેમજ રાજય સરકારે ટીમો મોકલાવીને તાત્કાલી અસરથી આ પ્રશ્નને ગંભીરતાથી લઇ મોંઘેરા પશુઓને બચાવવા જાેઇએ તેવો સુર સ્થાનિકે ઉઠયો છે. આ અંગે પશુ ચિકિત્સક જગદીશભાઇ સાથે વાત કરતા તેમણે વિશેષ વિગતો આપતા જણાવ્યું હતું કે, લખપત તાલુકામાં છેલ્લા થોડા દિવસથી કાઉપોક્સ નામની બિમારી પશુધનમાં માથું ઉંચકયુ છે અને તે વધુ પ્રસરી રહી છે ત્યારે વેક્સિન મંગાવી લેવાઇ છે અને છેલ્લા બે દિવસથી છેવાડાના ગામોમાં રસીકરણ શરૂ કરાયું છે. કૈયારી ગામમાં બિમારી કંટ્રોલમાં છે અને કપુરાશી ગામમાં રવિવારે બપોર બાદ રસીકરણ માટે ગયા હોવાની વાત કરી હતી.

લખપત તાલુકાના મુખ્ય ચિકિત્સક ડો. ભાવીક રાજન સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, લખપતના કપુરાશી, કૈયારી જેવા ગામોમાં રોગ દેખાતા સારવાર શરૂ કરી દેવાઇ છે, તેમને રસીકરણ કરી શકાય તેમ નથી. જાે કે, આસપાસના ગામડાઓમાં રસીકરણ કરાયું છે જેથી રોગ પ્રસરે તો તે ગામના પશુને લાગુ ન પડે અને પશુધન સ્વસ્થ રહી શકે.