લોકસત્તા વિશેષ : વડોદરા કોર્પોરેશનમાં અધિકારીઓના ચાલતા બેફામ ભ્રષ્ટાચારથી ચોંકી ઉઠેલી રાજ્ય સરકાર પણ હવે હરકતમાં આવી છે. લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર વડોદરા સ્માર્ટ સિટી કંપની લી.માં થયેલા આશરે રૂપિયા ૧૨૦ કરોડના કૌભાંડમાં મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એસીબીને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એસીબીની તપાસનો આદેશ થતાં જ કૌભાંડીઓ દ્વારા પુરાવા પર પડદો પાડી દેવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જાેકે આ મામલે એસીબી દ્વારા ટુંક સમયમાં જ જવાબદારોનો નોટીસ ફટકારવામાં આવી તેવી શક્યતાઓના કારણે સ્માર્ટ સિટી સાથે સંકળાયેલા અધિકારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. 

આ અંગે પ્રાપ્ત જાણકારી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્માર્ટ સિટીના સ્વપનાને રૂપિયા કમાવવા માટેનું માધ્યમ સમજી બેઠેલા વડોદરા કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ દ્વારા મોટા પાયે ખાયકી કરવામાં આવી હોવાની વિગતો રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ હતી. ખાસ કરીને સ્માર્ટ સિટી હેઠળના પ્રોજેક્ટમાં સામાન્ય કરતા ઉંચા ભાવે ટેન્ડરો આપી કે ખોટા ખર્ચા કરી કરોડો રૂપિયાની હેરાફેરી કરી ચોક્કસ અધિકારીઓ માલેતુજાર બની ગયાની વિગતો રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર રાજ્ય સરકારને વડોદરા સ્માર્ટ સિટી કંપની લી.ના કરોડો રૂપિયાના કામોમાં રૂપિયા ૧૨૦ કરોડની જંગી રકમની હયગય થયાના પુરાવા પ્રાપ્ત થયા છે. આ પુરાવાની પ્રાથમિક તપાસ બાદ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી વિભાગ એટલે કે એસીબીને તપાસ કરવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તપાસના આદેશ બાદ કૌભાંડી અધિકારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. જાેકે આ મામલે કોર્પોરેશન કે એસીબીના સત્તાવાર સુત્રોને પુછવામાં આવતા તેઓએ કાંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. જાેકે એસીબી દ્વારા જવાબદાર અધિકારીઓને આગામી દિવસોમાં નોટીસ આપી બોલાવવામાં આવે તેમ બિનસત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.

ફ્રી વાઈફાઈના નામે કોર્પોરેશનને પરોક્ષ નુકશાન

શહેરીજનોને ફ્રી વાઈફાઈ આપવાના નામે સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં કોર્પોરેશનની કિંમતી જગ્યા મફતના ભાવે આપી દઈ ખાનગી કંપનીના ટાવરો ઉભા કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં આ ટાવરના ઉપયોગ અને તેના પર પ્રસિધ્ધ થતી જાહેરાતની આવકથી ખાનગી કંપનીને જંગી ફાયદો થાય તેવી ગોઠવણ કોર્પોરેશનના એક તત્કાલિન કમિશનરની સીધી દોરવણી હેઠળ કરવામાં આવી હતી. જેના કારણે પણ વડોદરા કોર્પોરેશનને પરોક્ષ નુકશાન થયું હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છેકે આ ફ્રી વાઈફાઈનો કેટલો અને કેવી રીતે ઉપયોગ થાય છે તેને લઈ હજી સુધી કોઈ નક્કર વિગતો જાહેર કરવામાં આવતી નથી તે પણ શંકા ઉપજાવે તેવું છે.

વડોદરા ગેસ લિ. માં પણ બિનહીસાબી વહીવટ

વડોદરાના પ્રજાના વેરાના રૂપિયાથી બનાવેલી સંપતિને વડોદરા ગેસ લિ.ની રચનામાં ઉપયોગ કરવા માટે પધરાવી દીધા બાદ આ કંપનીને કોર્પોરેશનના રેકોર્ડ પરથી ગાયબ કરી દેવામાં આવી છે. કોર્પોરેશનના પ્રજાના ટ્રસ્ટી તરીકે બેસતા ચુંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ રજુ કરાતા હિસાબો અને બજેટમાં વડોદરા ગેસ લિ.નો કોઈ વહીવટ કે હિસાબ રજુ કરવામાં આવતો નથી. તેવી જ રીતે સ્માર્ટ સિટીનો વહીવટ પણ કરવામાં આવે છે. ત્યારે આ બંને કંપનીઓના હિસાબોની

ચકાસણી અને ખરાઈ કોણ કરે છે તે પણ શંકા ઉપજાવે તેવું છે.

આઇએએસ અધિકારી પણ રડારમાં

કોર્પોરેશનની માલિકીની વડોદરા સ્માર્ટ સિટી કંપની લિ.ના વહીવટમાં કેટલાક તત્કાલિન કમિશનરો દ્વારા પણ હાથ કાળા કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ખાસ કરીને એક આઈ.એ.એસ અધિકારીએ સત્તાનો દુર ઉપયોગ કરી કોર્પોરેશનને જંગી આર્થિક ફટકો માર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે એસીબી આ આઈ.એ.એસ. અધિકારીને પણ નોટીસ ફટકારે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

સ્માર્ટ સિટી હેઠળના કામો જાહેર કરવા જાેઈએ

સ્માર્ટ સિટી કંપની લિ.ની રચના કરવા પાછળનો હેતું શહેરના લાંબા ગાળાના વિકાસનો હતો. પરંતું આ કંપની અને નાગરીકોને વેરાના રૂપિયા સાથે કોઈ સંબંધ ન હોય તેવો વહીવટ કરી મનમાની રીતે કરોડો રૂપિયાની હયગય કરવામાં આવતા વિવાદ વકર્યો છે. ત્યારે વડોદરા સ્માર્ટ સિટી કંપની લી. દ્વારા આજ દિન સુધી કેટલા અને કેવા કામો કરવામાં આવ્યા તેની જાહેરાત કરી સ્પષ્ટતા કરવી જાેઈએ.