દાહોદ, દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરી રહેલી કોરોનાની મહામારીને નાથવા માટે કાર્યરત આરોગ્ય કેન્દ્રની કલેક્ટર વિજય ખરાડીએ સાગમટે આકસ્મિક ચકાસણી કરાવી છે. દાહોદ નગરમાં કાર્યરત બે અર્બન હેલ્થ સેન્ટર અને જિલ્લાના પીએચસી-સીએચસી મળી કુલ ૧૦૧ આરોગ્ય કેન્દ્રોની ૩૫ અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. કલેક્ટર ખરાડીએ ઉક્ત બાબતે માહિતી આપતા જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં પાછલા એક તબક્કામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી વધુ પ્રમાણમાં કેસો મળી આવ્યા હતા. દાહોદ જિલ્લામાંથી મળી આવતા કોરોના વાયરસના કેસોમાંથી ગ્રામ્ય વિસ્તારોના કેસોનું પ્રમાણ ૭૦ ટકા હતું. આ બાબતને ધ્યાને રાખીને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રોની કામગીરીની ચકાસણી કરવી આવશ્યક હતી. કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને હાલમાં આરોગ્ય કેન્દ્રોમાં સવારના ૯થી ૧૨ સુધીમાં ઓપીડી તબીબો દ્વારા કરવામાં આવે છે. બપોર બાદ ફિલ્ડ વિઝીટ ઉપરાંત કોન્ટેક્ટ ટ્રેસિંગ, કોરોનાવાળા વિસ્તારમાં આરોગ્યલક્ષી કામગીરી કરાઇ રહી છે. આ બાબતે ધ્યાને રાખીને એક ચેકલિસ્ટ નિયત કરવામાં આવ્યું હતું અને તે મુજબ જિલ્લાકક્ષાના ૩૫ અધિકારીઓને તમામ આરોગ્યકેન્દ્રોની આકસ્મિક તપાસણી કરવા આદેશ કરવામાં આવ્યો હતો. આ ચેક લિસ્ટમાં તપાસણી સમયે ઉ૫સ્થિત માનવ સંસાધન, ઓપીડીની વિગતો, વેક્સીનેશન, ધન્વંતરિ રથ, આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવેલા એક્ટીવ કેસની સંખ્યા, હોટસ્પોટ વિસ્તારમાં થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ સહિતની બાબતોનો સમાવેશ થતો હતો. ચકાસણી કરાયેલા આરોગ્ય કેન્દ્રની સંખ્યા જાેઇએ તો દાહોદ તાલુકાના ૨૦, ગરબાડા તાલુકાના ૧૦, દેવગઢ બારિયા તાલુકાના ૧૨, લીમખેડાના ૭, સિંગવડના ૮, ધાનપુરના ૯, ઝાલોદના ૧૮, ફતેપુરાના ૧૨ અને સંજેલીના ૫ મળી કુલ ૧૦૧ આરોગ્ય કેન્દ્રની તપાસ કરવામાં આવી હતી.