ગાંધીનગર-

ગુજરાતની પ્રજા ખમીરવંતી અને મેળાવળું સ્વભાવની છે. પ્રેમ અને એક-બીજા સાથે ભળવાનો સ્વભાવ ગુજરાતની પ્રજામાં છે. ખાવાની શોખીન સાથે વ્યાપારમાં પણ ગુજરાતી લોકો અવ્વલ છે. પૈસા કમાવાની સાથે પૈસા બચાવવાની પણ સમજ ગુજરાતની પ્રજા ધરાવે છે. હવે વધુ એક જગ્યાએ ગુજરાતને ગૌરવ મળ્યું છે. દેશના પ્રથમ હેપીનેસ ઇન્ડેક્સ મુજબ દેશનાં મોટાં રાજ્યોમાં પંજાબ અને ગુજરાત અગ્રેસર છે.

આ સ્ટડી IIM અને IITમાં પ્રોફેસર રહેલા રાજેશ પિલાનિયાના નેતૃત્વમાં માર્ચ ૨૦૨૦થી જુલાઈ ૨૦૨૦ની વચ્ચે કરવામાં આવ્યો છે. અહિં તમને જણાવી દઇએ કે, આ સમયગાળો ગુજરાતમાં કોરોના મહામારી વકરી ત્યારનો છે માટે એવું કહી શકાય કે, ગુજરાતની પ્રજા કપરા સમયમાં પણ ખુશ રહે છે અને તેની સામે લડત આપે છે. આ સ્ટડીમાં આખા દેશના ૧૬,૯૫૦ લોકોએ ભાગ લીધો હતો. આ સ્ટડીનાં પરિણામ જણાવે છે કે વૈવાહિક સ્થિતિ, ઉંમર વર્ગ, શિક્ષણ અને કમાણીના સકારાત્મક રૂપ સાથે ખુશીને સીધો સંબંધ છે.

આ સ્ટડી અનુસાર અવિવાહિત લોકોની સરખામણીએ પરિણીત લોકો વધુ ખુશ હોય છે. લોકો પૈસાની જગ્યાએ સમયને વધુ મહત્વ આપે છે.

સ્ટડીના જણાવ્યા મુજબ, દેશના લોકો ભવિષ્યને લઈને આશાવાદી છે અને આગામી ૫ વર્ષમાં હાલની સ્થિતિની સરખામણીમાં પોતાને વધુ ખુશ અને સંપન્ન જાેઈ રહ્યા છે. ભવિષ્યનાં હેપીનેસ રેન્કિંગમાં મણિપુર, આંદામાન-નિકોબાર દ્વીપ અને ગુજરાત સૌથી ખુશનુમા રાજ્ય છે. મોટાં રાજ્યોમાં ગુજરાત, ઉત્તરાખંડ અને આંધ્ર ટોપ પર છે. કામ સંબંધી મુદ્દા, પારિવારિક સંબંધ અને દોસ્તી, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, સામાજિક મુદ્દાઓ અને ધર્મ અને આધ્યાત્મિક જાેડાણના આ ૫ પેરામીટરના આધારે હેપીનેસ ઇન્ડેક્સ બન્યો છે.