રાજકોટ,તા.૪

રાજકોટના બાપા સીતારામ ચોક નજીક આવેલ હીરાના કારખાનામાં થયેલ ચોરીની ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ન્ઝ્રમ્ ઝોન-૨ની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રાજકોટ પોલીસના મળેલ બાતમીના આધારે રાજકોટ ખાતેથી એક આરોપી અને સુરત ખાતેથી બે આરોપી મળી કુલ ૩ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. જેની પાસેથી પોલીસે કુલ ૫૬.૫૮ લાખનો મુદામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે બકુલ ઉર્ફે બકો ધનજી ઢોલરીયા, પરેશ હીરાભાઈ મુંગલપરા અને જીતેશ ઉર્ફે જીતુ રૂપાપરાની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી પૈકી બકુલ ઉર્ફે બકો અગાઉ ફેબ્રુઆરી મહિનામાં આ જ કારખાનામાં નોકરી કરતો હતો, જેથી કારખાનામાં ક્યાં હીરા રાખવામાં આવે છે? તે બાબતની તેને માહિતી હતી. જેથી, મિત્ર પરેશ સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. બે દિવસ પૂર્વે રેકી કરી બાદમાં રાજકોટ રહેતા મિત્ર જીતેશના ઘરે રોકાણ કરી જીતેશને સાથે રાખી રોકડ તેમજ હીરાની ચોરીને અંજામ આપ્યો હતો, પકડાયેલ આરોપીઓ પૈકી બકુલ ઉર્ફે બકો અગાઉ રાજકોટ ગ્રામ્ય, ગીરસોમનાથ, નર્મદા, સુરત, અને જૂનાગઢ સહિત પોલીસના હાથે અલગ-અલગ ૬ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે, જયારે પરેશ પણ અગાઉ ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, જૂનાગઢ, અને રાજકોટ સહિત પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ૬ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે તેમજ જીતેશ ઉર્ફે જીતુ પણ અગાઉ જૂનાગઢ ખાતે પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.