વડોદરા-
વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં લઘુશંકાના બહાને ટોયલેટમાં ગયેલો આરોપી મંગળવારે સાંજે ૫ વાગે ટોયલેટની બારીની ઇંટો કાઢી ફરાર થયો હતો. આરોપી પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. દાગીના ધોઇ આપવાના બહાને લોકો સાથે ઠગાઇ કરતી ત્રિપુટી પૈકી એક આરોપીને પોલીસે પકડ્યો હતો. જાેકે, ગણતરીના કલાકોમાં જ આરોપી ફરાર થઇ જતા પોલીસની કામગીરી સામે સાવાલો ઉભા થયા છે.
વાઘોડિયા રોડ પર દાગીના ધોવાને બહાને મહિલાની બંગડીઓ ઉતારી ત્રિપુટી ફરાર થઈ હતી. જેમાં પાણીગેટ પોલીસે મૂળ બિહારના દુર્ગેશકુમાર કિશનપ્રસાદ ગુપ્તાને ૭ જુલાઇએ ઝડપી લીધો હતો. તેનો કોરોના પોઝિટિવ આવતાં સારવાર માટે દાખલ કર્યો હતો. તે પછી તેનો કોરોના નેગેટિવ આવતાં મંગળવારે ધરપકડ સહિતની કાર્યવાહી કરી લોકઅપમાં રખાયો હતો. સાંજે ૫ વાગે દુર્ગેશે લઘુશંકાનું બહાનું કાઢતાં તેને ટોયલેટમાં લઇ ગયા હતા. જ્યાં બારીની સિમેન્ટની ઇંટો કાઢી તે ફરાર થયો હતો. ઘણો સમય વિત્યા બાદ પોલીસકર્મીઓને શંકા જતા બાથરૂમનો દરવાજાે ખખડાવી દુર્દેશને બુમો પાડી હતી, પરંતુ, અંદરથી કોઇ જવાબ ન મળ્યો નહોતો. જેથી આરોપી ફરાર થઇ ગયો હોવાની જાણ થતાં સમગ્ર મામલે પોલીસ અધિકારીને જાણ કરી હતી.