રાજુલા, હજૂ તો વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વિવાદ શાંત થયો નથી અને મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે ત્યારે હવે હિરા સોલંકીએ વિવાદીત નિવેદન બળતામાં ઘી હોમ્યું છે. અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો પણ ખુલ્લેઆમ ચેતવણી આપતો વીડિયો વાઇરલ થયો છે. તેઓ વીડિયોમાં કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે કોઈના બાપથી બીતા નહીં, હીરા સોલંકી અહીં બેઠો છે, ધાકધમકી દેવાવાળાના હું ડબ્બા ગુલ કરી નાખીશ.

અમરેલી જિલ્લાની બેઠકો કબજે કરવા તમામ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈકાલે અમરેલીમાં જાહેરસભા સંબોધી હતી. ત્યારે ઉમેદવારો પણ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. આ વચ્ચે ગઈકાલે જાફરાબાદમાં ભાજપના કાર્યાલયના ઉદ્‌ઘાટન સમયે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા તરીકે ઓળખાતા હીરા સોલંકીનો એક વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયોમા હીરા સોલંકી ધમકી આપી રહ્યા હોવાનું જાેવા મળી રહ્યું છે. વીડિયોમાં હીરા સોલંકીએ કાર્યકર્તાઓને જણાવી રહ્યા છે કે, કોઈના બાપથી બીતા નહીં, અહીં હીરાલાલ સોલંકી બેઠો છે. આ ધાક ધમકી દેવા વારા અહીં જે નીકળ્યાં છે ને તે બધાના હું ડબ્બા ગુલ કરી નાખવાનો છું. જે લોકો માહોલ ડહોળવા નીકળ્યાં છે તેનું ધ્યાન રાખજાે. તમે ખાલી જાફરાબાદનું સાચવી લેજાે બાકી બધુ મારી પર છોડી દો. બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ખુબ સારા મતોથી જીતવા જઇ રહ્યા છીએ. માહોલ બગાડવાનો પ્રયત્ન જે કરતા હોય તેને કરવા દેજાે. ચૂંટણી પુરી થશે પછી, એ છે અને હું છું.

રાજુલા ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી પૂર્વ મંત્રી પુરષોતમ સોલંકીના નાના ભાઈ છે. તેમજ ગુજરાતમાં કોળી સેનાના પ્રમુખ છે. ૨૦ વર્ષ સુધી હીરા સોલંકીએ રાજુલા વિસ્તારમાં પ્રતિનિધિત્વ કર્યું છે. વર્ષો પહેલા મુંબઇથી પહેલી વખત ચૂંટણી લડવા આવ્યાં ત્યારે હીરા સોલંકી અને પુરષોતમ સોલંકી બંનેની ‘ભાઈ’ તરીકેની છાપ હતી. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના અક્ષરધામમાં આતંકવાદીઓના હુમલા વખતે હીરા સોલંકી જીવની પરવા કર્યા વગર પોતાની રિવોલ્વર લઈને લોકોને બચાવવા અંદર ઘૂસી ગયા હતા. આ ઘટનાને થોડા દિવસ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ પોતાના ભાષણ દરમિયાન યાદ કરી હતી. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ એ જ ભાજપના ઉમેદવાર હીરા સોલંકી છે કે જેણે ગાંધીનગરના અક્ષર ધામમાં આતંકવાદીઓનો હુમલો થયો ત્યારે તેમની પાસે જે રિવોલ્વર હતી તે રિવોલ્વર લઈને આંતકવાદીઓ સામે પોતાની જીવની પરવા કર્યા વગર જે હિરલો અંદર ઘુસી ગયો હતો તે આપડો આ હિરલો હતો. આવા મજબુત ઉમેદવારને જીતાડવા માટે મારે તમને વિનંતી કરવાની ન હોય આપણી બધાની ફરજ છે તેને જીતાડવાની. વર્ષ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેરનો વિજય થયો હતો. જ્યારે ભાજપના હીરા સોલંકીનો પરાજય થવાના કારણે ભાજપને આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. જાેકે, ફરી ભાજપ આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માટે દોડધામ કરી રહી છે. જેને કારણે ભાજપ આ બેઠક જીતવા આકાશ પાતાળ એક કરી રહી છે. હિરા સોલંકી પરસેવો પાડી રહ્યા છે. નિવેદન બહાર આવ્યું હતું.