પ્રેમ લગ્નના એક મહિના બાદ તું ગમતી નથી બીજી છોકરી મારા દિકરા માટે લાવીશું અને..
02, જુલાઈ 2021

અમદાવાદ-

કૃષ્ણનગરની યુવતીએ પ્રેમ લગ્ન કર્યાના એક જ મહિનામાં સાસુ તું મને ગમતી નથી મારા દિકરા માટે બીજી છોકરી લાવીશ તેમ કહી ત્રાસ આપતા હતા. એટલું જ નહીં પતિ પણ તેની માતાનું ઉપરાણુ લઈને યુવતી સાથે ઝઘડો કરી મારઝુડ કરતો હતો. જેથી તંગ આવેલી યુવતી તેના પિયરમાં રહેવા ચાલી આવી હતી. બાદમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી સ્મીતાએ 27 મે 2021ના રોજ તેના જ વિસ્તારમાં રહેતા દિલીપ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ સ્મીતા પતિ દિલીપ સાથે કૃષ્ણનગર વિસ્તારમાં રહેવા ગઇ હતી. પતિ વોટર સપ્લાયનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. થોડા દિવસો તો સાસરીયાએ સ્મીતાને સારી રીતે રાખી હતી. જો કે, છેલ્લા 10 દિવસથી સાસુ, સસરા નાની નાની બાબતે મહેણાં ટોણા મારી રોક ટોક કરતા હતા. તેઓ કહેતા હતા કે, તું અમને ગમતી નથી અમે અમારા દિકરા માટે બીજી છોકરી લાવીશું. આવુ કહ્યાં બાદ બોલચાલ કરી ઝઘડો કરતા હતા. તેથી આ મામલે સ્મીતાએ પતિ દિલીપને વાત કરી હતી. ત્યારે પતિએ માતાનું ઉપારણું લઇ પત્ની સાથે બોલચાલ કરી ઝઘડો કર્યો હતો અને બિભત્સ ગાળો આપી હતી. ત્યારબાદ પતિ નાની નાની વાતે માથાકુટ કરી સ્મીતાને ફટકારતો હતો. અને માનસિક ત્રાસ આપતો હતો. ઉપરાંત સાસરીયા અવાર નવાર ઘરમાંથી નિકળી જવા દબાણ કરતા હતા. પરંતુ પોતાનો ઘર સંસાર ન બગડે માટે સ્મીતા બધુ સહન કરતી હતી. જો કે, દિવસે દિવસે ત્રાસ વધવા લાગ્યો હતો. જેથી સ્મીતાએ ઘર છોડી પિતાના ઘરે જતી રહી હતી. ત્યારબાદ તેણે પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution