વડોદરા : નવાપુરા કેવડાબાગ વિસ્તારમાંથી કોર્પોરેશનની ઢોર પાર્ટીએ રસ્તે રઝળતી બે ગાયને પકડીને ટ્રેકટરમાં ચઢાવવાની કામગીરી કરતા જ બેઠક મંદિરની આસપાસ રહેતા માથાભારે રબારીઓનું મહિલાઓ સહિતનું ટોળું રોડ પર દોડી આવ્યું હતું અને ટોળાએ ઢોરપાર્ટીના કર્મચારીઓને માર મારી તેઓના કબજામાંથી બે ગાયો છોડાવી પોતાની સાથે લઈ ફરાર થયા હતા.

વડોદરા કોર્પોરેશનનના દબાણ શાખાના ઈન્સ્પેકટર યશવંતભાઈ શિંદે ગઈ કાલે બપોરે ઢોર ડબા શાખા હેઠળની ઢોર પાર્ટીના સુપરવાઈઝર સુર્યકાંત શિંદે અને ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે સરકારી વાહનોમાં રસ્તે રખડતા ઢોરો પકડવાની કામગીરીમાં નીકળ્યા હતા. સાંજના સમયે તે કિર્તિસ્થંભથી નવાપુરા કેવડાબાગ બેઠક મંદિર સામેના રોડ પરથી પસાર થતા હતા તે સમયે રોડ પર બે ગાય ટ્રાફિકને અડચણરૂપ રસ્તા પર રખડતી હોઈ ઢોરા પાર્ટી દ્વારા બંને ગાયને પકડીને ટ્રેકટરમાં ચઢાવવાની કામગીરી શરૂ કરી હતી.

જાેકે આ દરમિયાન બેઠક મંદિરની બાજુમાં રબારી વાસમાંથી અચાનક મહિલાઓ સહિતનું માથાભારે રબારીઓનું ટોળું ત્યાં દોડી આવ્યું હતું. ટોળાએ ઢોરપાર્ટીની કામગીરી અટકાવી સ્ટાફ સાથે ઝઘડો અને બોલાચાલી કરી હતી તેમજ ગાય પકડવાની કામગીરી કરતા મજુરોને ગડદાપાટુનો માર મારી ટોળું બંને ગાયને છોડાવીને ફરાર થયું હતું. આ બનાવની દબાણશાખાના અધિકારી યશવંતભાઈ શિંદેએ નવાપુરા પોલીસ મથકમાં ટોળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મેહુલ રબારી, લાલો રબારી, દિનો રબારી, કનુ રબારી, બે મહિલાઓ સહિત સાતના ટોળા સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.