સુનિલને માર મારીને જબરજસ્તી ‘સાહિલ’ બનાવતાં આખરે અજ્જુને પતાવી દીધો
17, ઓક્ટોબર 2020

વડોદરા-

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારમારી અને એક કેદીની કરપીણ હત્યાના નાલોશીભર્યા બનાવમાં અજ્જુ કાણિયા સહિતના કેટલાક કટ્ટરવાદી કેદીઓ દ્વારા હત્યાના આરોપી સુનિલ પરમાર પર માનસિક ત્રાસ ગુજારી તેને નમાઝ પઢવા માટે પણ દબાણ કરવામાં આવતું હોવાની ચોંકાવનારી ચર્ચાથી આ કેસમાં અણધાર્યો વળાંક આવ્યો છે. આ બનાવની તપાસ કરી રહેલી રાવપુરા પોલીસે આજે હત્યા કેસના મુખ્ય આરોપી સુનિલ ઉર્ફ સાહીલનો જેલમાંથી કબજાે મેળવી અન્ય બે આરોપીઓનો પણ કબજો મેળવવાની તજવીજ હાથ ધરી છે. 

મોબાઈલ કી દુકાન તરીકે કુખ્યાત વડોદરાની સેન્ટ્રલ જેલમાં ખંડણીના ગુનામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો વડોદરાનો નામચીન અજ્જુ કાણિયાને પાણીગેટમાં લુંટ વીથ મર્ડરના ગુનામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા સુનિલ ઉર્ફ સાહીલ મહેશભાઈ પરમાર તેમજ તેના સાગરીતો કિરણ ઉર્ફ બોડિયો સોલંકી અને આફતાબ ઉર્ફ શિવા વચ્ચે જેલમાં લાંબા સમયથી ચાલતી અથડામણના ચાલતી હતી. ગત ૧૪મી તારીખના સવારે અગિયાર વાગે ટેલિફોન બુથ પરથી પોતાની બેરેકમાં જઈ રહેલા અજ્જુ કાણિયા અને મોહસીન પઠાણ પર સુનિલ ઉર્ફ સાહિલ, કિરણ ઉર્ફ બોડિયો અને આફતાફ ઉર્ફ શિવાએ અચાનક હુમલો કર્યો હતો જેમાં સુનિલે ધારદાર પતરુ અજ્જુ કાણિયાના ગળા પર ફેરવી દેતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં ઉક્ત હુમલાખોર ત્રિપુટી પાસે રાવપુરા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો છે. આ ગુનાની પોલીસે તપાસ કરી આજે મુખ્ય આરોપી સુનિલ ઉર્ફ સાહિલનો ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કબજાે મેળવ્યો હતો. આ અંગે એસીપી મેઘા તેવરે જણાવ્યું હતું કે આરોપીનો કોરોના ટેસ્ટ થયા બાદ તેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરા છે. જાેકે પ્રાથમિક પુછપરછમાં અજ્જુ કાણિયો તેને વારંવાર જાહેરમાં અપશબ્દો બોલી અપમાન કરતો હોઈ તેના કારણે સુનિલ ઉર્ફ સાહિલે અજ્જુ કાણિયા પર હુમલો કર્યો હતો જેમાં તેનું મોત નિપજ્યું હતું. જાેકે પોલીસ તંત્ર આરોપીઓ તેમજ ફરિયાદી, જેલ સ્ટાફ અને બનાવને નજરે જાેનારા લોકોના નિવેદનોના આધારે તપાસનો દોર આગળ વધારી રહી છે. પરંતું આ દરમિયાન આજે આ હત્યા કેસમાં કટ્ટરવાદની વાતો વહેતી થતા ચોંકાવનારો વળાંક આવ્યો છે. આજે દિવસભર એવી વાતો ચાલી હતી કે સેન્ટ્રલ જેલમાં વર્ચસ્વ ધરાવતા અજ્જુ કાણિયા સહિતના કટ્ટરવાદીઓએ જાણી જાેઈને અન્ય કોમના આરોપીઓને ટાર્ગેટ બનાવતા હતા. મળતી વિગતો મુજબ તેઓએ સુનિલ ઉર્ફ સાહિલ સહિતના કેદીઓને જાહેરમાં અપશબ્દો બોલી તેમજ અજ્જુ કાણિયો સુનિલ પાસે પગ દબાવતો હતો અને પોતાના કપડા ધોઈ આપવા સુધીની કામગીરી પણ કરાવતો હતો.

જાેકે ધાકધમકી આપીને કામ કરાવવા પુરતી દાદાગીરીની વાત કેદીઓ સ્વીકારી હતી પરંતું કેટલાક સમયથી અજ્જુ કાણિયા સહિતની કટ્ટરવાદીઓની ટોળકીએ સુનિલને માર મારી તેને પણ તેઓની સાથે નમાઝ પઢવા માટે ફરજ પાડતા હતા અને તેઓએ જ સુનિલનું નામ પણ બદલીને સાહિલ કરી દીધું હતું. અજ્જુ કાણિયાની દાદાગીરી સહન નહી થતાં આખરે સુનિલ ઉર્ફ સાહિલે પિત્તો ગુમાવ્યો હતો અને તેણે તક મળતા જ તેના સાગરીતો કિરણ અને શિવા સાથે મળીને અજ્જુ કાણિયા પર હુમલો કરી તેના ગળાના ભાગે પતરુ ફેરવી દીધું હતું તેમજ આ હુમલામાં અજ્જુ કાણિયાને બચાવવાનો પ્રયાસ કરનાર મોસીનખાન પઠાણને પણ માર માર્યો હતો.

 સુનિલ ઉર્ફ સાહિલને બળજબરીપુર્વક નમાજ પઢાવવાની ચાલતી વાત અંગે એસીપી મેઘા તેવરે જણાવ્યું હતું કે હજુ સુધી સુનિલની ઘનિષ્ટ પુછપરછ થઈ નથી કે તેનું નિવેદન પણ લેવાયુ નથી જેથી આ વાત અંગેની હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. જાેકે પ્રાથમિક પુરપરછમાં સુનિલે જણાવ્યું છે કે અજ્જુ કાણિયો તેને વારંવાર જાહેરમાં અપશબ્દો બોલી અપમાનિત કરી ઉશ્કેરણી કરતો હતો જેથી તેણે તેની પર હુમલો કર્યો હતો.

અન્ય બે આરોપીઓનો કબજાે મેળવવા અમદાવાદ કોર્ટમાં માગણી

અજ્જુ કાણિયાના હત્યામાં હાલમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે જેમાં મુખ્ય આરોપી મનાતા સુનિલ ઉર્ફ સાહિલનો રાવપુરા પોલીસે વડોદરા કોર્ટની મંજુરી બાદ તેનો આજે કબજાે મેળવ્યો છે. જયારે સુનિલના અન્ય બે સાગરીતો કિરણ ઉર્ફ બોડિયો અને આફતાબ ઉર્ફ શિવો હાલમાં અમદાવાદના ગુનામાં ઝડપાયા હોઈ તેઓને અમદાવાદની કોર્ટ દ્વારા વડોદરા કોર્ટમાં મોકલાયા છે જેથી આ બંને આરોપીઓનો કબજાે લેવા માટે રાવપુરા પોલીસે અમદાવાદ કોર્ટમાં પણ મંજુરી માંગી છે અને અમદાવાદ કોર્ટની મંજુરી બાદ સંભવત આવતીકાલે આ બંને આરોપીઓનો પણ ટ્રાન્સફર વોરંટથી કબજાે મેળવાશે.

જેલમાં અંધેર વહીવટનો વધુ એક નમૂનો ઃ સીસીટીવી કેમેરાના ફુટેજ નહીં મળે

વડોદરાની સેન્ટ્રલ જેલમાં ભ્રષ્ટાચાર સાથે અંધેર વહીવટ ચાલતો હોવાનો વધુ એક પુરાવો આજે પોલીસ તપાસમાં સપાટી પર આવ્યો છે. સેન્ટ્રલ જેલ ચોતરફથી સીસીટીવી કેમેરાથી સજ્જ હોઈ અજ્જુ કાણિયાની હત્યાનો સમગ્ર ઘટનાક્રમ જેલના સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું પોલીસનું અનુમાન હતું. આ હત્યાના બનાવના સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ અને ફુટેજ પોલીસ અને કોર્ટ કાર્યવાહી દરમિયાન અત્યંત મહત્વના હોઈ રાવપુરા પોલીસે જેલ સત્તાધીશો સમક્ષ હત્યા સમયના સીસીટીવી કેમેરાના ફુટેજની માગણી કરી હતી. જાેકે જેલ સત્તાધીશોએ પોલીસને જણાવ્યું હતું કે જે સ્થળે હત્યા થઈ તે સ્થળના સીસીટીવી કેમેરા ઘણા સમયથી બંધ છે માટે તેના કોઈ ફુટેજ નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution