ભચાઉ, અનેકવિધ સમસ્યાઓનો સામનો કરતા દયારામભાઈ બે દશકા પહેલા જ્યારે પોતે માનસિક વિક્ષિપ્ત થયા ત્યારે તેમને આ સ્થિતિની ગંભીરતાનો અંદાજાે આવ્યો અને આજે કચ્છમાં રહીને દરેક એવા વ્યક્તિને સહાયતા કરી રહ્યા છે, જે આવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે. વાત એવા “પાગલપ્રેમી’ તરીકે જાણીતા થયેલા વ્યક્તિની કે જેણે ન માત્ર પોતે આ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા પરંતુ અત્યાર સુધી મુંબઈની શ્રદ્ધા ફાઉન્ડેશનના સહયોગથી ૭ હજાર જેટલા માનસિક વિક્ષિપ્તોને સ્વગૃહે પહોંચાડી ચુક્યા છે.

મુળ ભચાઉના જંગી ગામના દયારામ નાગજી મારાજનો ૧૯૯૮માં મુંબઈના મલાડમાં કપડાની ફેક્ટરીનો મોટો કારોબાર વિકસી રહ્યો હતો. પરંતુ સમયની કઠણાઈ અને એક મોટી પાર્ટીએ પગ પાછા ખેંચતા તે સમયના ૨૦લાખના દેણામાં તેવો આવી ગયા. ઘર બાર અને હતું તે તમામ વેંચીને તેમણે ૧૫ લાખનો ઉતાર્ય પરંતુ બાકી રહેલા ૫ લાખ તેમને સતત જંખતા રહ્યા અને તેના કારણે તેમણે માનસીક સંતુલન ગુમાવ્યું, ઘરેથી તેવો નિકળી જતા અને બે વર્ષ સુધી નાના ગાભાઓ ભેગા કરી, કલર મેચ કરીને તેનાથી કપડા બનાવીને આ કર્જ ઉતારીશ તેવી ટ્રીપમાં રાચ્યા રહેતા.

દરમ્યાન તેમના પત્ની લક્ષ્મ્બેન દ્વારા સાળંગપુર લઈ જતા સમયે રસ્તામાંજ તેમની સ્વસ્થતા પાછી મળી અને પછીથી અત્યાર સુધી તેમણે માનસીક દિવ્યાંગો માટે જીવન સમર્પીત કરી દીધુ. પોતાના ભાઈને કારખાનું ચલાવવા આપીને તેવો અંજાર સ્થાપિત થયા, જ્યાં શરૂ કરેલી નાની દુકાનનું ઉદઘાટન પણ તેવો જેમને “પ્રભુજી’ કહે છે તેવા માનસીક દિવ્યાંગથી કરાવ્યું. મુંબઈના શ્રદ્ધાં ફાઉન્ડેશન અને હાલ ગાંધીધામના અપનાઘરમા સેવા આપી રહ્યા છે જેના થકી અત્યાર સુધી ૭ હજાર જેટલા લોકોને રસ્તા પરથી ઉઠાવીને સ્વાસ્થ્ય કેંદ્રોમાં અને ત્યાંથી તેના ઘરે પહોંચાડવાનું શ્રેય તેમના નામે સ્થાપિત છે. તેમનું કહેવું છે કે દરેક દેખાતા માનસીક દિવ્યાંગ વ્યક્તિમાં તેમને પોતાનો એટલે કે દયારામનો આભાસ થાય છે, જાે તેમના સહારે તે નહી પહોંચે તો દુર ભાગતા આજના સમાજના કોણ લોકો પહોંચશે?

મુક્તક, કવિતાઓ થકી પણ પોતાની વાત કહેવાના આદી દયારામભાઈ પોતાની ભાષામાં કહે છે કે માસ્ક પહેરીને ફરતા કથીત ડાહ્યાનો ડર ગાંડા ઘેલાઓથી વધુ છે. શ્રદ્ધા ફાઉન્ડેશનના ડો. ભરત વટવાની, ડો. મીતા વટવાની, અને તેમના ગુરુજી યોગેશ્વરદેવ સ્વામીના માર્ગદર્શન અને સહયોગ તળે તેઓ આ સેવા કરી રહ્યાનું જણાવે છે. તેમણે ૨૦૦૭માં અમન ચેરીટેબલ ટ્રસ્ટ પણ બનાવ્યું જે તેમના દતક લીધેલા પુત્રના નામે છે, જેમાં કોઇ ડોનેશન લેવામાં આવતું નથી અને બેંક ખાતું પણ નથી.