31, ઓક્ટોબર 2023
કચ્છ (ભુજ ),તા.૩૧
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાને જિલ્લા મથક ભુજથી જાેડતા માર્ગપર આવેલો ભવાનીપરનો પુલ છેલ્લા ૫ -૬ મહિનાથી ભારેખમ વાહનોની અવર-જવર માટે બંધ કરી દેવાયો છે અને જૂના પુલના સમારકામ કે, નવા પુલની કામગીરીની કોઇ ગતિવિધ શરૂ ન થતાં વાહન ચાલકોની માઠી દશા બેઠી છે.૫૦ મીટર લંબાઈ ધરાવતો આ પુલ આશરે ૪૫ વર્ષ પહેલા બન્યો છે. પુલની નીચે બારેમાસ પાણી ભરાયેલું હોવાથી બાંધકામ જર્જરીત થઈ ગયું છે. પુલ પરની રેલિંગ તૂટી ગઈ છે અને નીચેની બાજુએથી સ્લેબમાંથી પોપડા ખરી પડ્યા છે. પુલ બંધ કરાયા પહેલા દરરોજ ૭૦૦ ટુકો આવન- જાવન કરતી હતી પરંતુ જિલ્લા કલેક્ટરના જાહેરનામા બાદ આ પુલ પરથી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવાયો છે. એસટી બસ આ પુલ પરથી જ પસાર થાય છે ત્યારે જર્જિત થઈ ગયેલો પુલ તાત્કાલિક નવો બનાવવા માટે કોઈ જ નક્કર કાર્યવાહી હજુ સુધી આદરાઈ નથી. વધુમાં પુલ જર્જરીત હોવાથી તેનું સમારકામ પણ કરવામાં આવ્યું નથી. પુલના સ્લેબમાંથી પોપડા ખરી રહ્યા હોવાથી ગમે ત્યારે ગાબડું પડી શકે તેવી સ્થિતિ છે. એસ.ટી. બસ, ખાનગી બસ નાના ફોરવ્હીલર, દ્વિચક્રી વાહન ચાલકો આ પુલ પસાર કરતા ડરે છે. અધુરામાં પૂરું નલિયા જતા લોકોને વાયા કોઠારા માર્ગ પરથી ૧૭ કિલોમીટરનો ફેરો પડે છે. ત્યારે આ પુલ વહેલી તકે બને તેવી માંગ ઉઠી છે. તો બીજીબાજુ આર એન્ડ બી વિભાગ આ અંગે જણાવ્યુ હતુ કે નવા પુલ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વર્ક ઓર્ડર પણ અપાઇ ગયો છે.