વડોદરા-

કોરોના મહામારીના સમયે કામગીરીમાં લાગેલી પોલીસ હવે તૌકતે વાવાઝોડા સામે પણ લોકોની સુરક્ષા માટે ખડેપગે ઉભી રહી હોવાનું જોવા મળ્યું છે.જેમા જિલ્લાના શિનોર પોલીસની ટિમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન રસ્તામાં તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આડું પડેલું ઝાડ દૂર કરીને લોકો માટે રસ્તો ખુલ્લો કર્યો હતો. 

હાલ કોરોના મહામારીમાં લોકો યુધ્ધના ધોરણે જીવન જીવી રહ્યા છે તેવામાં કુદરતી કહેર તૌકતે વાવાઝોડા સામે પડકાર ઝીલવાનો વખત આવ્યો છે. મહામારી સમયે પોલીસે કોરોના વોરિયર બનીને તેની સામે લડત આપી હતી. કોરોનાની શરૂઆતથી લઈને આજદિન સુધી પોલીસ સરકારના નિયમોના અમલીકરણની કામગીરી કરી રહી છે. દરમિયાન તૌકતે વાવાઝોડું આવતા જ દરિયા કાંઠાના વિસ્તારોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં કોરોના મહામારી હોય કે પછી તૌકતે વાવાઝોડાનો પડકાર, પોલીસ હંમેશા તૈયાર રહે છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તૌકતે દરમિયાન લોકોને મદદરૂપ થવા માટે પોલીસની ટિમ પેટ્રોલિંગ કરી રહી છે. પેટ્રોલિંગ દરમિયાન શીનોર મંડવા રોડ, શીનોર સાધલી રોડ, અને ડભોઇ સેગવા રોડ પર વાવાઝોડાની અસરને પગલે વૃક્ષ રસ્તા પર પડી ગયા હતા. જેને લઈને ટ્રાફિક ખોરવાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સમય અને સંજોગોની ગંભીરતાને ધ્યાને રાખીને પેટ્રોલિંગ કરી રહેલા PSI ગાવીત અને તેમની ટિમ દ્વારા જાતે જ ઝાડ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. એક તરફ વરસાદ પડી રહ્યો હતો અને બીજી તરફ ચાલુ વરસાદે પોલીસ જવાનો થડ ને ખસેડીને રસ્તો ખોલી રહ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સપાટી પર આવતા પોલીસની સારી કામગીરીની પ્રશંસા કરી છે.