મોબાઈલ પર વાત બાદ પત્નીએ યુપીમાં અને પતિએ સુરતમાં આત્મહત્યા કરી
19, ફેબ્રુઆરી 2021

સુરત-

સુરત શહેરના પાંડેસરાના વિસ્તારમાંથી એક હૃદયદ્વાવક ઘટના પ્રકાશમાં આવી હતી. અહીની યુપીવાસી યુવકની પત્નીએ વતનમાં આત્મહત્યા કરી લીધી હતી. પત્નીના મૃત્યુનો આઘાત જીરવી ન શકનારા યુવકે પણ બપોરે ઘરમાં ડાબા હાથની નસ કાપી ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. પતિ-પત્ની વચ્ચે મોબાઈલ ફોન પર લગભગ અડધો કલાક સુધી વાતો કર્યા બાદ બંનેએ વારાફરતી મોતને વ્હાલું કરી લેતાં પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. મૂળ ઉત્તરપ્રદેશનો વતની પ્રદીપ સંતોષ પાંડે (ઉંમર-૨૬) પાંડેસરા ખાતેના મહાલક્ષ્મીનગરમાં રહેતો હતો. માર્કેટમાં સાડીની દુકાનમાં નોકરી કરતાં પ્રદીપના ગત ડિસેમ્બર માસમાં લગ્ન થયા હતા.

તેની પત્ની રીતુ વતન ઉત્તર પ્રદેશમાં રહેતી હતી. દરમિયાન ગુરુવારે બપોરે પ્રદીપની ઘરમાંથી લાશ મળી આવી હતી. પ્રદીપે તીક્ષ્ણ સાધનથી ડાબા હાથની નસ કાપી ઘરમાં પંખા સાથે ગમછો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. પ્રદીપે અણધાર્યું પગલું ભર્યું હોવાની જાણ થતાં તેના સગા સંબંધી આઘાતમાં ઘરી ગયા હતા. બીજી બાજુ તેની પત્ની રીતુએ પણ આત્મહત્યા કરી લીધી હોવાનું સાંભળી તેઓ દિગ્મૂઢ થઈ ગયા હતા.

પોલીસે જણાવ્યું કે પ્રદીપ પાંડેસરા ખાતે અને રીતુ વતન યુપીમાં રહેતી હોય બંને વચ્ચે મોબાઈલ ફોન પર વાતચીત થતી હતી. ગુરુવારે સવારે પણ તેમની વચ્ચે લગભગ અડધો કલાક વાતો ચાલી હતી. બંને વચ્ચે શું વાતો થઈ એના વિશે કોઈને કોઈ માહિતી નથી. દરમિયાન પ્રદીપને રીતુએ ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હોવાના સમાચાર મળ્યા હતા. જેનો આઘાત જીરવી નહીં શકતાં તેણે પણ મોતની સોડ તાણી લીધી હતી. બનાવ અંગે પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution