દિલ્હી-

ઉત્તર પ્રદેશમાં કેસ દાખલ થયા પછી એમેઝોન પ્રાઈમ સીરીઝની વેબસીરીઝ 'તાંડવ' ના નિર્માતાઓએ બિનશરતી માફી માગી છે. આ સંદર્ભમાં જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'વેબસીરીઝના કલાકારો અને ક્રૂનો કોઈ પણ વ્યક્તિ, જાતિ, સમુદાય, સંસ્થા, ધર્મ અથવા ધાર્મિક વિચારનું અપમાન કરવાનો ઇરાદો નહોતો. 'તાંડવ' ની સ્ટાર કાસ્ટ અને ક્રૂએ લોકોએ ઉભી થયેલી ચિંતાઓનુ સંજ્ઞાન લીધુ છે અને જો આનાથી કોઈની લાગણી દુભાય છે, તો અમે બિનશરતી માફી માંગીએ છીએ. '

મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશ પોલીસે શ્રેણીના નિર્માતાઓ અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સામે ગુનો નોંધ્યો છે. શ્રેણીમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના વરિષ્ઠ અધિકારીએ આ કેસમાં ધરપકડ કરવાની ચેતવણી આપી હતી. સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા જેવા મોટા કલાકારોએ આ વેબ સિરીઝમાં કામ કર્યું છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે મહારાષ્ટ્રના બીજેપી નેતા રામ કદમની ફરિયાદ બાદ આ મામલામાં એમેઝોન પ્રાઈમ પાસેથી કથિત જવાબ માંગ્યો હતો, ત્યારબાદ આ કેસ નોંધવામાં આવ્યો હતો. એમેઝોન પ્રાઈમના ઈન્ડિયા ઓરિજિનલ કન્ટેન્ટના વડા, આ શ્રેણીના નિર્દેશક, નિર્માતા અને લેખક સહિત, આ શ્રેણી દ્વારા દેશમાં ધાર્મિક અદાવત અને પૂજા સ્થાનોનું અપમાન કરવાનો આરોપ મૂક્યો હતો.