ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પગલે હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પેજ પ્રમુખ બન્યા છે. નીતિન પટેલ કડી શહેરના બૂથ નંબર ૧૨૧ના પંજ નબર ૩૯નાં પેજ પ્રમુખ બન્યા છે. તમામ મતદારોમાંથી પાંચ સદસ્યને સમાવિષ્ટ કરી પેજ કમિટીની રચના પૂર્ણ કરી ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ અરવિંદભાઈ પટેલને યાદી સુપરત કરાઈ હતી. ત્યારે પેજ પ્રમુખ બન્યા બાદ ભાજપના તમામ કાર્યકરોને પેજ કમિટીની રચના વહેલી તકે પૂર્ણ કરીને કાર્યકર તરીકેને ફરજ બજાવવા નીતિન પટેલે અપીલ કરી છે.

હવે ભાજપમાં દિગ્ગજ નેતાઓ પેજ પ્રમુખ બનીને મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે. પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી બાદ હવે નાયબ મુખ્યમંત્રી પણ પેજ પ્રમુખ બન્યા છે. તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર. પાટીલે આ વિશે આહવાન કર્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા અગાઉ જાહેર સભામાં કહેવામાં આવ્યું હતું કે, જેને પણ વિધાનસભાની ટિકિટ જાેઈતી હોય તેઓએ પહેલાં પોતાનું પેજ મજબૂત કરવું પડશે. કામ કરશે એને જ ટિકિટ મળશે તેવી ટકોર પણ તેઓએ કરી હતી.

વોર્ડમાં સારું પ્રદર્શન કરવા માટે પેજની ટીમ મજબૂત હોય એ જરૂરી છે અને સમયે તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે તેવું પણ કહ્યું હતું. ત્યારે પ્રદેશ પ્રમુખની આ ટકોરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી ગઈકાલે પેજ પ્રમુખ બન્યા હતા. રૂપાણી દંપતીએ પેજ પ્રમુખ બનીને પોતાનું પેજ મજબૂત કર્યું હોવાનો સંદેશો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભાજપના સંગઠનમાં પેજ પ્રમુખ પાયો ગણાય છે.