ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના બે મંત્રીઓ પાસેથી મહત્વના ખાતાને પરત ખેંચી લેવાયા બાદ આજે સચિવાલયમાં આ બંને મંત્રીઓની ચેમ્બરમાં સોંપો પડી ગયેલો જાેવા મળ્યો હતો. એટલું જ નહીં, આ બંને મંત્રીઓની તક્તીમાંથી પરત ખેંચી લેવાયા વિભાગના નામ પણ હટાવી દેવાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમના મંત્રીમંડળના બે સિનિયર મંત્રીઓ પાસેથી મહત્વના વિભાગ છીનવી લેવાની ઘટના શનિવારે બની હતી. આ ઘટના બાદ સચિવાલયમાં આજે પ્રથમ સોમવાર હતો. સામાન્ય રીતે સ્વર્ણિમ સંકુલ ૧ ખાતે સૌથી વધારે ભીડનો જમાવડો આ બંને સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીને ત્યાં જાેવા મળતો હતો. સપ્તાહના પ્રારંભમાં સોમવાર હોય કે મંગળવાર, નાગરિકોની મુલાકાતના સમયે આ બંને મંત્રીઓની ચેમ્બરમાં ઊભા રહેવાની પણ જગ્યા મળી શકતી ન હતી. કારણ કે, આ બંને સિનિયર મંત્રીઓ પાસે એવા વિભાગ હતા, જે સીધા જ નાગરિકોને સ્પર્શતા મહત્વના વિભાગો હતા. જાે કે, ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોઈ અગમ્ય કારણોસર આ બંને મંત્રી પાસેથી તેમના મહત્વના એવા વિભાગ છિનવી લેવાયા બાદ આજે સોમવારે આ બંને મંત્રીઓની ચેમ્બરમાં સોંપો પડી ગયેલો જાેવા મળ્યો હતો. આ બંને મંત્રીઓની ચેમ્બર અને ઓફિસ નાગરિકોની ભીડથી ઉભરાતી હતી, તે ચેમ્બરમાં આજે કોઈ પ્રજાજન જાેવા મળતો ન હતો.