ગાંધીનગર, કોરોનાની ગમે તેવી પરિસ્થિતિ સામે લડવા માટે ગુજરાત તૈયાર છે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બીજી લહેર ઉપર આપણે કાબૂ મેળવ્યો છે હવે આપણે ત્રીજી લહેર સામે પણ લડીશું અને તે માટે સરકાર તૈયાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વડોદરા ખાતેની આત્મીય પોઝિટિવ કેર પોસ્ટ કોવિડ સેન્ટરનો ગાંધીનગરથી ઈ-પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગમે તેવી પરિસ્થિતિ હોય ગુજરાત તેની સામે લડવા માટે તૈયાર છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે છેલ્લા એક મહિનામાં બેડની સંખ્યાને ૪૧ હજારથી વધારીને એક લાખ સુધીની કરવામાં આવી છે. જયારે ઓક્સિજન બેડની સંખ્યાને ૧૮ હજારથી વધારીને ૫૮ હજાર સુધી પહોંચાડવામાં આવી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે તૈયાર છે. રાજ્ય સરકાર તેના સઘન પ્રયત્નો કરીને રાજ્યની ૨૦૦૦ જેટલી હોસ્પિટલોમાં દૈનિક ૧૧૦૦ ટન ઓક્સિજનનો જથ્થો સતત ૨૪ કલાક પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં નવા નવા ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવી રહ્યા છે. આમ ગુજરાત સરકાર ઓક્સિજનના મામલે ર્સ્વનિભર થવા માટેની તૈયાર કરી રહી છે.