પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી, મમતા બાદ હવે સ્મૃતિ ઇરાની સ્કૂટર પર સવાર
26, ફેબ્રુઆરી 2021

કોલકત્તા-

પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. અહીં સતત રાજકીય નેતાઓની રેલીઓ અને સભાના કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે. ત્યારે શુક્રવારે સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ અહીં એક રોડ શો કર્યો હતો. જેમાં તેઓ સ્કૂટર ચલાવતાં જાેવા મળ્યા હતા.

તાજેતરમાં જ મુખ્યમંત્રી મમતા બેનર્જી સ્કૂટર પર જાેવા મળ્યા હતા. તેઓ સ્કૂટર પર સવાર થઇ સચિવાલય પહોંચ્યા હતા. જાે કે, તેઓ ફ્યૂલ પ્રાઇઝના વિરોધમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની સવારી કરતાં નજરે પડ્યાં હતાં. જ્યારે સ્મૃતિ ઇરાની પંચપોટામાં પાર્ટીના કાર્યકરો વચ્ચે સ્કૂટર ચલાવતાં જાેવા મળ્યા. આ પહેલાં તેમણે ૨૪ પરગનાના આ વિસ્તારમાં રોડ શો પણ કર્યો હતો.

સ્મૃતિ ઇરાનીએ પંચપોટામાં કહ્યું કે, અમે આભારી છીએ કે પાર્ટીના નેતાઓની રેલીઓ અને બીજા કાયક્રમમાં બંગાળના લોકો મોટી સંખ્યામાં સામેલ થઇ રહ્યાં છે. આનાથી સંકેત મળે છે કે આ વખતે તમે બંગાળમાં પ્રથમ વખત કમળ ખિલતું જાેશો. તેમણે કહ્યું કે, મમતા બેનર્જીની સત્તામાં હિંસા અગ્રેસર રહી છે અને બંગાળનો લોકશાહી અવાજ નક્કી કરશે કે આ વખતે ચૂંટણીમાં ટીએમસી હારે. ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં બંગાળની ૨૯૪ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution