દિલ્હી-

ખેડૂતો સાથે વાટાઘાટોના આગામી દોર પહેલા કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સલાહ આપી હતી કે, હવે જ્યારે સુપ્રીમે ખુદ કાયદાઓના અમલ પર સ્ટે મૂકી દીધો છે ત્યારે, ખેડૂતોએ પોતાનું વલણ બદલવું જોઈએ.

કૃષિ પ્રધાને કહ્યું હતું કે, આગામી બેઠકો થાય છે ત્યારે ખેડૂતો પોતાના પ્રતિનિધિઓ સાથે મળીને પોતાની માંગો બાબતે સર્વાનુમત એકઠો કરે. સરકાર કોઈપણ કાનૂન બનાવે છે ત્યારે તે પૂરા દેશ માટે હોય છે. કૃષિ કાનૂનોની જોગવાઈ સાથે વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સંમત થયા છે અને ત્યારબાદ જ તેમને અમલમાં મૂકાયા છે. સરકાર કાનૂન લાગુ કરવા બાબતે મક્કમ છે અને તેને પાછા નથી ખેંચવાની ત્યારે ખેડૂતોએ હવે એ વિકલ્પ પર વિચાર કરવો જોઈએ કે કાયદાઓ પાછા ન ખેંચાય ત્યારે કયો વિકલ્પ બચે છે.

યાદ રહે કે, ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર સુપ્રીમ આજે સુનાવણી કરવાની છે અને આવતીકાલે સરકાર સાથે ખેડૂતોની અગાઉના તબક્કાની મંત્રણાઓ થવાની છે તેમજ કાલે જ એટલે કે, મંગળવારે સુપ્રીમ ગઠિત કમિટિની પહેલી બેઠક પણ મળવાની છે.