25, ડિસેમ્બર 2021
જામનગર, જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરથી ઉંડ-૨ તથા આજી-૪ સિંચાઇ યોજનાના હેઠવાસના કાંઠામાં ધોવાણ થયું હતું. જે બાબતે ખેડુતો સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે બેઠક કરી હતી. સિંચાઇ ખાતાના અધિકારીઓ અને ખેડુતો સાથે ઉંડ-૨ તથા આજી-૪ નદીના નીચવાસના ભારે વરસાદના કારણે નદી કાંઠાને થયેલા નુકશાન બાબતે ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈ અધિકારીઓને બેઠકમાં જરૂરી સુચનાઓ આપી હતી. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, જામનગર જિલ્લાના જાેડિયા તાલુકામાં આવેલા ઉંડ-૨ તથા આજી-૪ સિંચાઇ યોજનાના હેઠવાસના કાંઠાઓ અતિવૃષ્ટિના પૂરના કારણે તુટી ગયા છે. કાંઠા ઉપર આવેલા ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું છે. આ ધોવાણ થયેલા ખેડૂતોના ખેતરો તથા નદી કાંઠાને પુનઃમરામત કરી સલામત સ્થિતિમાં લાવવા માટે સરકાર તરફથી જરૂરી કરાવવા સિંચાઇ ખાતાના ઉચ્ચ અધિકારીઓ તથા ખેડૂતો સાથે માર્કેટ યાર્ડ જાેડિયા ખાતે બેઠક યોજી હતી. ખેડુત આગેવાનો ધરમશી ચનિયારા, ભરત દલસાણીયા, જેઠાલાલ અઘેરા, રસીક ભંડેરી, પદુભા જાડેજા, ઘનશ્યામ રાઠોડ, વલ્લભ ગોઠી તથા મોટી સંખ્યામાં ખેડૂતો તથા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.