આણંદ, તા.૧૩  

કોવિડ-૧૯ વાઇરસ સંદર્ભમાં સાવચેતી માટે લગભગ મોટાભાગની સરકારી કચેરીઓમાં વિવિધ રીતે અપીલ કરવામાં આવી રહી છે. બોરસદની તાલુકા પંચાયત કચેરીમાં બોર્ડ મારવામાં આવ્યાં છે. જણાવાયું છે, બિનજરૂરી આવવું નહીં. તેમજ શક્ય હોય તો માત્ર વોટ્‌સએપ અથવા ઇ-મેલ દ્વારા જ જરૂરી કામગીરી માટે પત્ર વ્યવહાર કરવો. હવે બોરસદ તાલુકા પંચાયતનું વહીવટી તંત્ર કોરોના મહામારીની ચિંતામાં ઊતાવળે અધૂરી માહિતી સાથે દરવાજા પર બેનર ટીંગાડી સંતોષ માની લીધો છે. બોરસદ કચેરી ખાતે વિવિધ કામગીરી અર્થે પહોંચેલા અરજદારોને જ આ બેનર જાેઈ આશ્ચર્ય થવા પામ્યું હતું. બેનરમાં ક્યાંય પણ વોટ્‌સએપ નંબર કે ઈ-મેલ આઈડી દર્શાવેલી નથી. અલબત્ત, સંજાેગવસાત અરજદાર કચેરી ખાતે રૂબરૂમાં આવવાનું ના ઈચ્છે તો પણ બોરસદ આવવાની ફરજ પડે જ.

બોરસદ તાલુકા મથકે આવેલી કચેરીમાં પહોંચેલાં અરજદાર રાહુલભાઇ સોલંકીના જણાવ્યા મુજબ, હાલમાં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે જાતિ અને આવક સહિત વિવિધ દાખલા પ્રમાણપત્રની જરૂર રહેતી હોય છે, પરંતુ હાલ કોરોના મહામારી સંદર્ભમાં માત્ર ઓનલાઈન નોંધણી કરાવીને જે તે પ્રમાણપત્ર મેળવવાની કાર્યવાહી કરવી પડે છે. બોરસદ તાલુકા પંચાયતની વહીવટી કચેરી ખાતે જ અરજદાર માટે ઓનલાઈન નોંધણી માટે કોઈ જ વ્યવસ્થા શરૂ કરવામાં આવી નથી, જેથી કચેરી ખાતે જ વહેલીતકે ઓનલાઇન કામગીરી શરૂ કરવામાં આવે તે હાલના તબક્કે અનિવાર્ય છે.