અમદાવાદ: મિત્રોએ ચોરીનો આરોપ લગાવતા યુવકે કર્યો આપઘાત, 2ની અટકાયત
12, ઓક્ટોબર 2020

અમદાવાદ-

યુવક પર ચોરીનો આરોપ મૂકી તેને ચોર તરીકે બદનામ કરવામાં આવતા યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા યુવકે વીડિયો બનાવ્યો હતો. જેમાં તેના મિત્રોએ તેના પર ચોરીનો આરોપ મૂક્યો હતો. પોતે આત્મહત્યા કરી સચ્ચાઈ સાબિત કરવા માંગે છે તેવું કહ્યું હતું. આ સમગ્ર મામલે મૃતકના ભાઈએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બે યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૃતક આકાશ તોમર દાણીલીમડા સુએઝ ફાર્મ રોડ પર વી.પી એક્ઝિમ નામના વોશિંગના કારખાનામાં નોકરી કરતો હતો.ત્યાં જ ધાબા પર રહેતો હતો. તેમની સાથે હરિઓમ ઉર્ફે ગોલું તોમર અને સંતોષ તોમર નામનો શખ્સ નોકરી કરતા હતા. બંન્ને એક જ રાજ્યના વતની હોવાથી ઓળખતાં હતાં. 20 દિવસ પહેલા બપોરે આકાશે તેના પિતરાઇભાઈને ફોન કરી કહ્યું હતું કે, હરિઓમ અને સંતોષ મારા પર મોબાઈલ ચોરીનો ખોટો આરોપ લગાવી પોલીસમાં ફસાવી દેવાની ધમકી આપે છે. જેથી તેના ભાઈએ પગાર લઇ ઘરે જતા રહેવા કહ્યું હતું. યુવકે કહ્યું કે, મને ચોર ચોર કહી બદનામ કરે છે. બીજા દિવસે આકાશે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતરાઇભાઈને જાણ કરવામાં આવતા તેઓએ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરી અંતિમવિધિ કરી હતી.બાદમાં તેના ફોનમાંથી એક વીડિયો મળ્યો હતો જે આત્મહત્યા પહેલા આકાશે બનાવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે આજના જમાનામાં કોઈ પર ભરોસો ન કરતાં અમદાવાદમાં સંતોષ અને ગોલું મારા મિત્રો સાથે રહેતો હતો. તેમને મારા પર ભરોસો ન હતો. એક વ્યક્તિનો મોબાઈલ ખોવાઈ ગયો હતો. તેમને મારા પર શંકા કરી મારા પર ભરોસો ન કર્યો. મેરે અચ્છે દોસ્ત થે. શેઠની નજરમાં નીચો કરી દીધો. આત્મહત્યા કરી અને સચ્ચાઈ સાબિત કરવા માંગુ છું.આ વીડિયોને આધારે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.હાલ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution