અમદાવાદ: કૌટુંબિક ઝઘડામાં બાળકો સહિત મહિલા પર એસિડ એટેક, ગુનો દાખલ
12, ડિસેમ્બર 2020

અમદાવાદ-

કોરોનાકાળ વચ્ચે અમદાવાદમાં એસિડ એટેકની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. મકાનના કૌટુંબિક ઝઘડામાં માસૂમ બાળકો અને એક મહિલા પર એસિડ ફેંકાયુ હોવાનું સોમ આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો એકઠા થઇ જતાં તમામ લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા. એસિડ એટેકને કારણે બાળકોના ચહેરા વિકૃત બની ગયા છે. ઘટનાને લઇ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના માધવપુરામાં મહેંદીકુવા વિસ્તારમાં આવેલી કંચનબેનની ચાલીમાં લક્ષ્‍‍મીબેન દંતાણી તેમના બે દીકરા અને ત્રણ દીકરીઓ સાથે રહે છે. લક્ષ્‍‍મીબેનએ મકાન છ વર્ષ પહેલાં તેમના કાકા સસરા મોહનભાઇ દંતાણી પાસેથી રૂ.ત્રણ લાખમાં ખરીદ્યું હતું. મકાન ખરીદી લીધું હોવા છતાં તેમના પુત્ર અજય અને વિજય આ મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો કરતા હતા. 

આ દરમ્યાન આજે સવારે મુંબઈથી લક્ષ્‍‍મીબેનના બહેન-બનેવી આવ્યા હતા. તમામ લોકો ઘરમાં સુતા હતા ત્યારે અજય દંતાણી વહેલી સવારે પાંચ વાગ્યે આવ્યો હતો. જ્યાં મકાનની બારી ખુલ્લી હોવાથી તેમાંથી બૂમ પાડી કહ્યું હતું કે, મકાન કેમ ખાલી નથી કરતા તમે કેવી રીતે રહો છો ? તેમ કહી હાથમાં રહેલો એસિડનો ડબ્બો ઉંચો કરી અંદર એસિડ ફેક્યું હતુ. જેમાં લક્ષ્‍‍મીબેન, તેમની 5 અને 8 વર્ષની દીકરી તેમજ 10 વર્ષના દીકરા પર એસિડ ઉડ્યું હતું. 

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ દર્દનાક ઘટનામાં તમામના ચહેરા પર એસિડ ઉડતા તેઓ દાઝી ગયા હતા. બે નાની છોકરીઓના ચહેરા પર એસિડ વધુ ઉડતાં તેઓના ચહેરા ખરાબ થઈ ગયા હતા. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માધવપુરા પોલીસે આ મામલે હત્યા પ્રયાસ સહિતનો ગુનો નોંધ્યો છે. જો કે હજી સુધી એકપણ આરોપીની પોલીસે ધરપકડ કરી ન હોવાનું સામે આવ્યુ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution