મેફડ્રોન એમડી ડ્રગ્સનો અમદાવાદ એટીએસએ કર્યા પર્દાફાશ
05, ફેબ્રુઆરી 2021

ગાંધીનગર-

રાજ્યમાં અવાર નવાર એમડી ડ્રગ્સ ઝડપાવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ એટીએસ દ્વારા વિસનગરના ભાંડુ નજીક કારમાંથી ડ્રગ્સ ઝડપ્યું છે. આજની યુવાપેઢીને ઉંધા રસ્તે લઈ જવા અને પાર્ટીમાં નશા માટે વપરાતું એવું મેફેડ્રોન એમડી ડ્રગ્સ મહેસાણાથી ઝડપાયું છે. પાલનપુરથી મહેસાણા તરફ આવતા બે શખ્સોને એટીએસએ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવાયા છે. હવે ગુજરાતમાં પણ આ પ્રકારે પાર્ટીમાં નશા માટે વપરાતું ડ્રગ્સ ઝડપતા ચકચાર મચી છે અને યુવાધનને બરબાદ કરતી આવી ગેંગ સક્રિય થઈ હોવાના સંકેત મળી રહ્યા છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લામાં પણ ડ્રગ્સની હેરાફેરીએ પોલીસને દોડતી કરી દીધી છે. અમદાવાદ એટીએસએ મહેસાણાથી ઝડપેલ મેફેડ્રોન એમડી ડ્રગ્સથી મહેસાણા પોલીસ પણ ઊંઘતી ઝડપાઇ છે. અમદાવાદ એટીએસને બાતમી મળી હતી કે, પાલનપુરથી મહેસાણા તરફ આવતી કારમાં ડ્રગ્સ ડ્રગ્સની હેરાફેરી થવાની છે. જે બાતમીના આધારે એટીએસએ મહેસાણા – ઊંઝા રોડ પર આવેલ ભાંડુ ગામ નજીક વોચ ગોઠવતા એક નંબર વગરની સ્વીફ્ટ કાર ઝડપાઇ હતી. જેમાં સવાર બે શખ્સોની તપાસ અને કારની જડતી લેવાઈ હતી.

દરમ્યાન કારની સીટ નીચે સંતાડેલ ૦.૦૩૯ ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. અને પોલીસે સુમિત કુમાર પ્રવીણભાઈ ઠક્કર અને રાવીકુમાર બાબુલાલ જાેશી નામના બે આરોપીઓની ધરપકડ કરી વિસનગર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો. સ્થળ પરથી રૂ.૩.૯૦ લાખનું ૦.૦૩૯ ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ, મોબાઈલ ફોન્સ, રોકડ ૪૫,૭૦૦ રૂપિયા, અને રૂપિયા પાંચ લાખની કાર જપ્ત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution