અમદાવાદ-

અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે ગેરકાયદેસર રીતે વિદેશી નાગરિકોને ઠરતા કોલસેન્ટરમાં રેડ કરી સાત યુવકોની ધરપકડ કરી છે. વસ્ત્રાપુર પોલીસ ચૂંટણી અનુસંધાને પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન તેઓને મોડી રાત્રે બાતમી મળી હતી કે વસ્ત્રાપુર મોકા કેફની સામેના ભાગે આવેલા ક્રિષ્ના કોમ્પલેક્સમાં ત્રીજા માળે ઓફિસ ધરાવી સોરીન રાઠોડ નામનો યુવક કોલસેન્ટરમાં ચલાવી અમેરિકાના નાગરિકોના ડેટા મેળવી તેઓની સાથે ઠગાઈ કરે છે. જેથી પોલીસે રેડ કરતા દુકાનમાં વિનીત ખુલ્લર નામનો યુવક મળી આવ્યો હતો અને પોતે આ કોલસેન્ટરમાં છેલ્લાં ચાર દિવસથી પ્યુન તરીકે નોકરી કરતો હોવાનું ખુલ્યું હતું.

પોલીસ ઓફિસમાં પ્રવેશ કરતાં જ 6 યુવકો અલગ-અલગ કોમ્પ્યુટર તથા લેપટોપ પર બેસીને કામ જોવા મળ્યા હતા.પોલીસે યુવકને સોરીન રાઠોડ બાબતે પૂછતાં તેણે ઓફિસમાં એક કેબિનમાં બેઠેલા યુવકની સામે ઈશારો કર્યો હતો.જેથી પોલીસે કેબીનમાં જઈને યુવકની પુછપરછ કરતા તેણે પોતાનું નામ સોરીન જયેશભાઈ રાઠોડ હોવાનું જણાવ્યુ હતુ. વસ્ત્રાપુર પોલીસે રેડ કરી મોબાઇલ લેપટોપ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ સામે છેતરપિંડી તેમજ આઇટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે કેટલા રૂપિયાની ઠગાઇ કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે.