અમદાવાદ-

જ્યારે કોઈ પેસેન્જર મુસાફરી કરે અને ફ્લાઈટમાં પાછા આવતા હોય ત્યારે તેમના સામાનમાંથી ચોરી થઇ હોવાનું સામે આવતું હોય છે. પરંતુ આ મુસાફર જે તે સ્થળે પહોંચી ગયા બાદ ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. પરંતુ અમદાવાદ એરપોર્ટ ઉપર દિલ્હીથી આવેલી એક મહિલાએ ફરિયાદ કરવાનું ન ટાળ્યું અને તેણે સ્ટાફને આ અંગે જાણ કરી હતી. આ મહિલાએ જણાવ્યું કે તેના પર્સ માંથી ૩૦થી ૩૫ હજાર રૂપિયાની ચોરી થઈ છે. જેથી હાજર સ્ટાફે ત્યાં લોડ કરતા લોડરોની તપાસ કરી હતી. જેમાંથી ત્રણ વ્યક્તિ અવારનવાર અનેક મુસાફરોનો સામાન ચોરી કરી ચુક્યા હોવાનો ખુલાસો થતાં આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના મોટેરા વિસ્તારમાં રહેતાં સાગરભાઇ હેમનાની છેલ્લા ઘણા સમયથી ઈન્ડિગો ફ્લાઈટમાં એરપોર્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ -૧ ઉપર ફરજ ઉપર હાજર હતા. તે દરમિયાન ફ્લાઈટના કસ્ટમર સર્વિસ તથા સિક્યુરિટી તથા કોમર્શિયલ અને રેમના ઓપરેશન ઇન્ચાર્જ તરીકે તેમની ફરજ નિભાવી રહ્યા હતા. તે સમયે દિલ્હી થી અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર એક ફ્લાઇટ આવી હતી. જેમાં એક મહિલા પેસેન્જર નિધીબેને સ્ટાફના કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ રણવીર સિંહને જણાવ્યું હતું કે તેઓએ પોતાની બેગ લીધી ત્યારે બેગ ના બંને ઝીપલોક ખુલ્લા હતા અને તેઓએ બેગ ચેક કરતા તેમાંથી રોકડા રૂપિયા ૩૦થી ૩૫ હજાર ચોરી થયા હતા. જેથી હાજર સ્ટાફના લોકોએ સાગરભાઇ ને આ અંગે જાણ કરી હતી. ત્યારે તપાસ કરતા ફ્લાઇટના હોલ્ટ માં તેમજ અને ફરજ ઉપર હાજર લોડરોની તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી.